વ્યારાના ટીચકપરામાં આવેલી મેટાસ એડવેન્ટિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બનેલી ઘટના
વાલીઓએ હોબાળો મચાવતા શિક્ષકને એક માસ માટે સસ્પેન્ડ કરાયો
તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં આવેલી મેટાસ એડવેન્ટિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વહેલી સવારના વાંચવા માટે સ્ટડી હોલમાં અડધો મોડા આવતા એક તામશી શિક્ષકે વિદ્યાર્થીઓને ફાઇબરના પાઇપથી બેરહેમીથી ઝૂડી નાંખ્યા હતા. આ નિર્દય શિક્ષકે એકનું તો માથું ફોડી નાંખ્યું હતું અને એકને હાથ પર માર મારતાં તેને ફ્રેકચર થયું હતું. એકનો પગ ભાંગી નાંખ્યો હતો. માસૂમ બાળકોને માર મારવાની આ ઘટનાને પગલે વાલીઓએ હોબાળો મચાવતાં ટ્રસ્ટીઓએ શિક્ષકને એક મહિના માટે સસ્પેન્ડ કર્યો હતો. જોકે, વાલીઓએ આ સાથે જ માફીપત્રની માંગણી પણ કરી હતી.
વ્યારાથી ૧પ કિ. મી. દૂર આવેલા ટીચકપરામાં મેટાસ એડવેન્ટિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સુરત, નંદુરબાર અને આજુબાજના વિસ્તારના વિદ્યાર્થીઓ ભણે છે અને હોસ્ટેલમાં રહે છે. બુધવારે સવારે પ વાગ્યે સ્ટડી રૂમમાં ભેગાં થવાનું હોય છે.
કેટલાંક વિદ્યાર્થીઓ મોડા પહોંચ્યા હતા. વર્ગ શિક્ષક પ્રવીણ લિંગારાનો પિત્તો છટકયો હતો અને પાણી છાંટવાની ફાઇબરની પાઇપથી આ વિદ્યાર્થીઓ પર જમની જેમ તૂટી પડયો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે મંગળવારે રાત્રે પાવર જવાને કારણે સમયની ખબર પડી નહોતી પણ કોપાયમાન થયેલા પ્રવીણે તેમની કોઈ વાત માની નહોતી. લાકડાથી માર માર્યા ઉપરાંત કેટલાંકને પેટમાં મુક્કા મારીને શિક્ષકે ‘બહાદુરી’ નું પ્રદર્શન કર્યું હતું.