વ્યારા પાસે ટીચકપરામાં આવેલી મેટાસ એડવેન્ટિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક પ્રવીણકુમારે વિદ્યાર્થીઓને બેહરમીપૂર્વક માર મારવાની ઘટનામાં વાલીઓએ શુક્રવારે રાત્રે ટીચકપરા પોલીસને ફરિયાદ કરી હતી.રવિવારે વાલીઓની મિટિંગમાં મળનાર છે જેમાં તેઓ સ્કૂલના ટ્રસ્ટીઓ પાસે શિક્ષકની ધરપકડ કરવાની માગ કરવાના છે.
વ્યારા નજીક આવેલાં ટીચકપરાની મેટાસ એડવેન્ટિસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષક પ્રવીણકુમારે હોસ્ટેલના વિદ્યાર્થીઓને માત્ર અડધો કલાક મોડા આવવાને કારણે બેરહેમીથી માર માર્યો હતો.એક વિદ્યાર્થીનું માથું ફૂટી ગયું હતું, તો કોઈનો હાથ ફ્રેકચર થયો હતો. બાળકો પર નાનકડી બાબતે શિક્ષકે અત્યાચાર ગુજારતા વાલીઓ ધૂંઆપૂંઆ થઈ ગયા હતા. શુક્રવારે રાત્રે બાર વાગે વાલીઓએ શિક્ષક પ્રવીણકુમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.એક વાલીએ કહ્યું હતું કે દર બીજા અને ચોથા રવિવારે તમામ વાલીઓની સ્કૂલમાં મિટિંગ રાખવામાં આવે છે.
૧૨ ફેબ્રુઆરીએ બીજો રવિવાર હોવાથી વાલીઓની મિટિંગ મળશે. જેમના બાળકોને માર નથી પડયો એવા વાલીઓને પણ સ્કૂલના કારનામાની ખબર પડશે. જોકે, શાળાના ટ્રસ્ટીઓ શિક્ષકને એક માસ માટે સસ્પેન્ડ કરીને સંતોષ અનુભવી રહ્યા છે.પણ વાલીઓ શિક્ષકની ધરપકડ અને માફીની માગ કરી રહ્યા છે. હજી ત્રણ પહેલા જ અમરોલીની ગૌતમી વિદ્યાલયમાં આરતી રાઠોડ નામની આઠમાં ધોરણની વિદ્યાર્થિનીને શિક્ષિકાએ ઠપકો આપતા તે ઘરે જઇ કેરોસીન છાંટી બળી મરી હતી.
સમયની સમસ્યા
શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સમાજમાં વધતા જતા ખટરાગના બનાવો ચિંતાજનક બની રહ્યા છે. આ અંગે વાઇબ્રન્ટ શાળાના સંચાલક ડૉ. દીપક રાજગુરુ કહે છે કે આ માટે આપણી શિક્ષણ વ્યવસ્થા જવાબદાર છે. પહેલા પાંચ વિષય ભણવાના હતાં ત્યારે પણ સ્કૂલો પાંચ જ કલાક ચાલતી હતી. આજે એટલા જ સમયમાં નવ વિષયો ભણાવવાના છે ત્યારે પણ એટલો જ સમય છે તો શિક્ષકો શુ કરે?