મોદી વિરૂધ્ધ ફરતા થયા SMS, પટેલો બાદ બ્રાહ્મણોનો વારો

દક્ષિણ ગુજરાતના બ્રાહ્મણ સમાજ દ્વારા પરશુરામની જન્મજયંતી નિમિત્તે ૨૪ એપ્રિલે સુરતમાં મહાઅધિવેશન યોજાવાનું છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી મોદી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે. જેને આગામી મહિનાઓમાં યોજાનારી ચૂંટણીને લઈને મોદી દ્વારા મતબેંક ઉભી કરવાના પ્રયાસના રૂપમાં કોંગ્રેસ દ્વારા જોવામાં આવી રહ્યું છે. મોદીના આ પ્રયત્નો સફળ ન થાય તે માટે કોંગ્રેસ દ્વારા મોદી વિરૂદ્ધ SMS 'વોર' શરૂ કરવામાં આવ્યું છે.
કથિત રીતે કોંગ્રેસ દ્વારા મોદી વિરૂદ્ધ ફરતા કરવામાં આવેલા એસએમએસની એક ઝલક અહી કરવામાં કરીએ છીએ. "આરએસએસ ઓર બીજેપી મેં દામલેજી, સંજય જોષી, હેમંત શુક્લા, અશોક ભટ્ટ, નલિન ભટ્ટ, હરેન પંડ્યા જેસે કઈ બ્રાહ્મણ નેતા થે, લેકિન આજ કોઈ નહીં હે. ઇતને દિનો તક બ્રાહ્મણો કો દુર રખને કે બાદ, મોદી અબ ક્યો ઉનકે પાસ આ રહે હૈ."
સુરતના કોંગ્રેસ પ્રવક્તા અસ્લમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગુજરાત ભાજપ અને રાજ્યના આરએસએસ યુનિટમાં ઘણા બધા બ્રાહ્મણ નેતાઓ હતાં પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. છેલ્લા 10 વર્ષમાં સરકારે બ્રાહ્મણો માટે કશું કર્યું નથી અને હવે વિધાનસભાની ચૂંટણી આવવાની એટલે હવે મોદીને બ્રાહ્મણોના વોટ યાદ આવ્યા છે.
સાયકલવાલાએ ઉમેર્યું હતું કે અત્યારે રાજ્ય સરકારમાં માત્ર જયનારાયણ વ્યાસ એકમાત્ર બ્રાહ્મણ નેતા છે જ્યારે કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અડધો ડઝન મંત્રી બ્રાહ્મણ જ્ઞાતિના હતા.
આ અંગે સંમેલનના આયોજક રાજુ પાઠકે જણાવ્યું હતું કે "નરેન્દ્ર મોદી અમારુ આમંત્રણ સ્વિકારે અને બ્રહ્મસમેલનમાં હાજર રહે તેમાં કશું ખોટુ નથી. આ કોઈ રાજકીય કાર્યક્રમ નહીં પરંતુ બ્રાહ્મણ સમાજનું સંમેલન છે. અમે આ કાર્યક્રમને રાજકીય રંગ આપનારોની વિરૂદ્ધમાં છીએ."








