-કનકપુર નગર પાલિકાના ભાજપના માજી કાઉન્સિલરે સચિન જીઆઇડીસીમાં પ્લોટ ખરીદ્યો હતો
-જેમાં લિઝ ટ્રાન્સફર કરી બાંધકામ રિપોર્ટ મેળવવા માટે જીઆઇડીસી અધિક મદદનીશ ઇજનેર હિતેશ શાહ લાંચ માગી ધક્કા ખવડાવતા હતા
-આખરે એન્ટિ કરપ્શન પ્યૂરોના છટકામાં સપડાઈ ગયા
સચિન જીઆઇડીસીમાં પ્લોટ ખરીદી અને લિઝ ટ્રાન્સફર કરી આપી બાંધકામ રિપોર્ટ આપવા માટે લાંચ લેવા જતા સચિન જીઆઇડીસીના અધિક મદદનીશ ઇજનેર તથા ઇનચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ લક્ષ્મીચંદ શાહ એસીબીના હાથે રૂપિયા દસ હજારની લાંચ લેતા ઝડપાયા હતા. સચિન જીઆઇડીસીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ અધિકારી આ રીતે લાંચ લેતા ઝડપાતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ચકચાર મચી ગઇ હતી.
સચિન જીઆઇડીસી ખાતે પ્લોટ નંબર ૪૪૭ અને ૪૪૮ પ્રકાશભાઇ રૈયાણીના માતા હીરૂબેન પટેલની હતી. તેમણે આ પ્લોટ કનકપુર નગર પાલિકાના ભાજપના માજી ર્કોપોરેટર અને સચિન, પાંડેસરા, ઉધના વિસ્તારના ક્ષત્રિય સમાજના અગ્રણી અર્જુનસિંહ વાઘેલાને વેચાણથી આપ્યો હતો. અર્જુનસિંહ વાઘેલાએ આ પ્લોટ પર બાંધકામ શરૂ કરવા માટેની તમામ વિધિ સંપન્ન કરી હતી તેમજ પ્લોટની દેખરેખની જવાબદારી રમેશભાઇ મોહનલાલ મિસ્ત્રીને આપી હતી. રમેશભાઇ મિસ્ત્રી છેલ્લાં કેટલાક દિવસોથી આ પ્લોટના બાંધકામનો રિપોર્ટ મેળવવા માટે સચિન જીઆઇડીસીના અધિક મદદનીશ ઇજનેર અને ઇનચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ શાહનો સંપર્ક કરતા હતા, પરંતુ હિતેશ બાંધકામ સર્ટિ. આપવામાં ઠાગાંઠેયાં કરીને રૂપિયા ૧૦ હજાર માગતા હતા. આખરે રમેશભાઇ મિસ્ત્રીએ એસીબીના ફિલ્ડ પી.આઇ. એસ.જી. રાણાનો સંપર્ક કરી હિતેશ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવીને સચિન જીઆઇડીસીના અધિક મદદનીશ ઇજનેર અને ઇનચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ લક્ષ્મીચંદ શાહને રૂપિયા ૧૦ હજાર લાંચ લેતા ઝડપી પાડયા હતા.
અધિકારીઓનું દંડા રાજ હતું
કનકપુર નગર પાલિકાના ભાજપના માજી ર્કોપોરેટર અર્જુનસિંહ વાઘેલાએ હીરૂબેન પાસેથી પ્લોટ ખરીદ્યા બાદ તમામ કાયદેસર કાર્યવાહી કરી હતી. તેમ છતાં તેમને સચિન જીઆઇડીસીના અધિક મદદનીશ ઇજનેર અન ઇનચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર કક્ષાના વ્યક્તિન લાંચ આપવી પડે તે બતાવે છે કે, સચિન જીઆઇડીસીમાં અધિકારીઓનું દંડા રાજ ચાલે છે અને તેઓ રૂપિયા ઉઘરાવવા સિવાય કંઇ કામ કરતા નથી. માજી ર્કોપોરેટરને પણ લાંચ આપવી પડતી હોય તો સામાન્ય ઉદ્યોગકારોની શું સ્થિતી હશે ? ઓફિસ દલાલોનો અડ્ડો બની ગઇ છે અને જો સત્તાધિશો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉદ્યોગકારોની હાલત હજુ પણ કફોડી બનશે. - બિપીન રામાણી, માજી ચેરમેન, સચિન નોટિફાઇડ એરીયા
ગણદેવીમાં પણ કારકૂન લાંચના છટકામાં ઝડપાયો
ગડત-ગણદેવી. મામલતદાર કચેરી ખાતે નકલ કારકૂન તરીકે ફરજ બજાવતા બાબુ પટેલે (ઉ.વ. પ૪) દારપણા (સોલવન્સી સર્ટિ.)ના દાખલો જલદી આપવા R પ હજારની માગ કરતા એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. બાબુભાઈ વસનજી પટેલ પાસે દારપણાનો દાખલો મેળવવા માટે મોહનભાઈ છીબાભાઈ પટેલ (રહે. વણગામ, તા. ગણદેવી)એ ગત તા. ૮-૨-૧૨ના રોજ જરૂરી દસ્તાવેજી પુરાવા સાથે અરજી કરી હતી. અરજી નકલ કારકૂન બાબુભાઈને આપી દાખલો જલદી મળે તે માટે વિનંતી કરી હતી. આ વખતે નકલ કારકૂન બાબુભાઈ પટેલે દારપણાનો દાખલ જલદી આપવા માટે R ૭૦૦૦ની માગણી કરતા અરજદારે આ બાબતે કંઈ સમજવા બાબુભાઈને વિનંતી કરી હતી. એસીબી નવસારીમાંથી મળેલી માહિતી મુજબ બાબુભાઈએ અરજદાર સાથે સમજૂતી કરી છેલ્લે R પ૦૦૦માં સોદો નક્કી કર્યો હતો. આ બાબતે અરજદાર મોહનભાઈ સી. પટેલે નવસારી એસીબીના પીઆઈ આર.આર. આહિરનો સંપર્ક કરતા એસીબી દ્વારા છટકું ગોઠવવામા આવ્યું હતું.