સચિન જીઆઇડીસીના અધિક મદદનીશ ઇજનેર અને ઇનચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશકુમાર લક્ષ્મીચંદ શાહ ગુરૂવારના રોજ રૂપિયા દસ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. આ ઘટનાને પગલે સચિન જીઆઇડીસી અને નોટિફાઇડ એરિયામાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારનો ભાંડો તો ફૂટ્યો જ છે પરંતુ તેની સાથો સાથ સચિન જીઆઇડીસીના અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારો પાસેથી પ્રતિ વર્ષ લાખો રૂપિયા ઉઘરાવી લેવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે. જીઆઇડીસીની ઓફિસમાં પગ મુકનાર ઉદ્યોગકાર પાસેથી એક યા બીજા કારણોસર માત્રને માત્ર રૂપિયા ખંખેરી લેવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે.
સચિન જીઆઇડીસી વિસ્તારમાં હાલમાં ૭૨ ડાઇંગ હાઉસ, ૭૦ કેમિકલ યુનિટ, ૧૮૦ એન્જિનિયરીંગ યુનિટો અને ૧૯પ૮ જેટલા ટેક્સટાઇલ સંલગ્ન યુનિટો ધમધમે છે. આ યુનિટના સંચાલકોને જીઆઇડીસી વિસ્તારમાં પ્લોટ વેચાણના નામ ટ્રાન્સફર, જેસીબી ચલાવવા માટે કે ગટર સફાઇ કરાવવા માટે, ગેસ કંપનીની લાઇન ખોદવાની મંજૂરી મેળવવા, નોટીફાઇડનું એનઓસી લેવા કે પછી ડીજીવીસીએલમાંથી એનઓસી લેવા માટે રૂપિયા પાંચ હજારથી માંડીને પચાસ હજાર લાંચ પેટે આપવા પડે છે. આ વિસ્તારના લારી-ગલ્લા વાળા કે જાહેરાતોના હોડગિ્સ મુકનારી એજન્સીઓ પાસેથી પણ રૂપિયા પડાવવામાં આવતા હોવાનો ઉદ્યોગકારોનો આક્ષેપ છે.
એક દલાલે દિવાળી પછી સાત લાખ રૂપિયા ચુકવ્યા
સચિન જીઆઇડીસીની ઓફિસોમાં દલાલોનો અડ્ડો જામે છે. એક દલાલે પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તેણે દિવાળી પછીના માત્ર સાડા ત્રણ માસના સમયગાળામાં પ્લોટ વેચાણથી માંડીને અન્ય કાર્યવાહીના બે નંબરના વ્યવહાર પેટે અધિકારીઓને સાત લાખ રૂપિયા ચુકવ્યા છે.