દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા ચેમ્બર ઓફ કોમર્સ ખાતે મળી હતી. આ બેઠકમાં ગેસકાપ અને એક્સેસ ગેસના ભાવવધારા અંગે આગામી રપમીના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીને રજુઆત કરવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત જોબચાર્જ વધારાનો નિર્ણય જે તે ડાઇંગ સંચાલક અને વેપારીની પરસ્પરની સમજૂતી પર છોડવામાં આવ્યો હતો.
પ્રોસેસર્સ એસોસિયેશનની બેઠકમાં નક્કી થયા પ્રમાણે આગામી રપમી ઓગસ્ટ ગુરુવારના રોજ પ્રમુખ પ્રમોદ ચૌધરી, ઉપપ્રમુખ વિનોદ અગ્રવાલ, સેક્રેટરી વિપુલ દેસાઈ, જે.પી.અગ્રવાલ અને ચેમ્બર પ્રમુખ ડૉ. અજોય ભટ્ટાચાર્ય દિલ્હી જશે. દિલ્હી ખાતે આ અગ્રણીઓ સુરત શહેર જિલ્લાના ડાઇંગ એન્ડ પ્રોસેસ હાઉસ પર લાદવામાં આવેલા ગેસકાપ અને ત્યારબાદ એક્સેસ ગેસમાં કરવામાં આવેલા ભાવવધારા અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરા તેમજ પેટ્રોલિયમ સેક્રેટરીને રજુઆત કરવામાં આવશે.
એસોસિયેશનના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે ડાઇંગ સંચાલક અને ટેક્સટાઇલ ટ્રેડર્સ આમનેસામને બેસીને તેમને જે ભાવવધારો પોસાય તે પ્રમાણે સહમતીથી જોબચાર્જ વધારાનો નિર્ણય કરે તે આવશ્યક છે.