લિંબાયતમાં તા. ૨૪-૦૯-૧૯૯૯ના રોજ પોલીસે વિસર્જન યાત્રામાં તોફાને ચઢેલા લોકો પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ઘણા નિર્દોષ લોકોને ગોળી વાગી હતી. જેમાંથી એક તુકારામ મહાદુ પાટીલ (રહે. પ્લોટ નં. પ૧, સરવે નં. ૨૪૬, રતનચોક, નવાનગર, ઉધના યાર્ડ) પણ હતા. તુકારામને બે ગોળીઓ વાગી હતી, એક જમણા પગમાં તો બીજી ગોળી ડાબા હાથમાં વાગી હતી.
બસ ત્યારથી તેમની જિંદગી જીવતા દોજખ સમાન બની ગઈ છે. તુકારામે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લેખિતમાં ફરિયાદ કરી છે કે પોલીસના અમાનવીય વર્તન બાદ હું જીવી તો ગયો પરંતુ જીવનનિવૉહનું શું? પહેલા કમાઈને પરિવારને ખવડાવી શકતો હતો પરંતુ હવે તે પણ કરી શકતો નથી અને પરિવાર પર બોજ સમાન બની ગયો છું.
તુકારામ પાટીલ સાથે આ ઘટના બની તે પહેલા તેઓ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા. તેમનો આક્ષેપ છે કે ગોળીબારમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા તેમને R બે-બે લાખની સહાય કરવામાં આવી હતી પરંતુ ગોળીબારમાં જે લોકો કાયમી ધોરણે અપંગ બન્યા છે તેમને કોઈ મદદ કરવામાં આવી નથી.
તોફાનો બાદ જીવન નર્કસમાન, જે મને આત્મહત્યા કરવા પ્રેરે છે
ગણેશ વિસર્જન દરમિયાન થયેલો ગોળીબારમાં જે મૃત્યુ પામ્યા છે તેમને તો કદાચ શાંતિ મળી ગઈ હશે પરંતુ ગોળી વાગ્યા બાદ જે લોકો જીવી ગયા છે તેમનું જીવન નર્કસમાન બની ગયું છે. તેમણે પોતાની ફરિયાદમાં પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો છે. તેઓએ સ્પષ્ટ લખ્યું છે કે, મારું જીવન મને આત્મહત્યા માટે પ્રેરી રહ્યું છે.