ભટાર રોડના આશીર્વાદ પેલેસ ખાતે ચંદ્રશેખર વિજયજી મહારાજની ગુણાનુવાદ યોજાઈ
ન્યૂ ભટાર રોડ પર શ્રીઆશીર્વાદ પેલેસ જૈનસંઘ ખાતેના બેન્કવેટ હા¸લમાં બુધવારે આચાર્ય કલાપૂર્ણસુરીજી મહારાજના શિષ્ય પંન્યાસ કુમુદચંદ્રવિજયજી મહારાજ તેમજ પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજની પાવનનિશ્રામાં પંન્યાસપ્રવર ચંદ્રશેખરવિજયજી મહારાજની ગુરુ ગૌરવ ગુણયાત્રારૂપ ગુણાનુવાદની એક વિરાટ મહાસભાનું આયોજન થયું હતું. જેમાં ભટારના તમામ જૈન સંઘો, સુરતના અગ્રણીઓ તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી હજારો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુમાના ગુણોનો રસાસ્વાદ માણ્યો હતો.
પંન્યાસ પદ્મદર્શનવિજયજીએ આ પ્રસંગે ગુરુમાના વ્યક્તિત્વનો પરિચય આપતા જણાવ્યું હતું કે ગુરુદેવ વ્યક્તિ નહીં પણ વિરલ વિભૂતી હતા. ભૂલોને માફ કરે અને અંદરના દોષોને સાફ કરે તે ગુરુમા કહેવાય. તેઓ ગુરુ નહોતા પણ પરમ ગુરુ હતા. ચંદ્રશેખરજીની વિદાયનું દુખ પ્રગટ કરતા તેમણે જણાવ્યું હતું કે એમની વિદાય માત્ર જૈનોના ગુરુની નહીં પણ સામાન્ય લોકોના મસીહાની વિદાય છે. સુક્ષ્મનાં બળ ઉપર લડનારો અણનમ યોદ્ધો આજે આપણી વચ્ચેથી ચાલ્યો ગયો છે, આ વેદના સમસ્ત ભારતવર્ષની પ્રજાને છે.
આ પ્રસંગે ચંદ્રશેખરજીના ગુણો વિશે પંન્યાસ કુમુદચંદ્રવિજયજીએ જણાવ્યું હતું કે એમની તસવીર પરથી એમના જીવનનું સૌંદર્ય મહોરી ઊઠે છે. પ્રત્યેક જીવમાં તેઓ શિવનું દર્શન કરતા હતા. ઝરણારૂપે શરૂ થયેલી તેમની જિંદગી નદી બનીને સાગરમાં વિલીન થઈ છે. વધુમાં ઉપસ્થિત લોકોને જણાવતાં તેમણે કહ્યું હતું કે હવે એમના જેવા જ યોદ્ધાને તૈયાર કરવા માટે તમારાં સંતાનોને તૈયાર કરવાં પડશે. અન્ય મહાનુભાવોએ પણ ભાવાંજલિ આપતા જણાવ્યું હતું કે પગથિયાં જેવું એમનું જીવન હતું. તેઓ હંમેશાં બીજાને મહાન બનાવી આગળ કરતા.