સેન્ટ્રલ વેર હાઉસના કેમ્પસમાં ઓટો શો રૂમની જગ્યાનો કબજો લેવા આવેલા અધિકારીએ શટર પાડી તાળું મારી દીધું, અધિકારીઓ અને અકળાયેલા શો રૂમના કર્મચારીઓ વચ્ચે ધાંધલ
વરાછા રોડ પર આવેલા સેન્ટ્રલ વેર હાઉસમાં શુક્રવારે બપોરે સેન્ટ્રલ વેર હાઉસના અધિકારીઓ અને ઓટો શો રૂમના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. શો રૂમના સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ કરતાં વરાછા પોલીસે તેમની અરજી લઈ તપાસ શરૂ કરી છે. શો રૂમના સંચાલકો અને કર્મચારીઓએ કબજો લેવા આવેલા અધિકારીઓએ ગ્રાહકો અને કર્મચારીઓ હોવાછતાં ચાર કલાક સુધી ગોંધી રાખ્યાં હોવાનો આરોપ મૂક્યો હતો.
ઘટનાસ્થળેથી પ્રાપ્ત વિગતો અનુસાર સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના ગોડાઉનમાં ત્રણ ઓટો કંપનીના શો રૂમ અને ગોડાઉન લીઝ ઉપર લેવાયેલા હતા. તેની સામે કોર્ટના નિર્દેશ પ્રમાણે ૨૨મી ફેબ્રુઆરી સુધીમાં આ જગ્યાનો કબજો વેર હાઉસિંગ કોર્પોરેશને લેવાનો હતો. શુક્રવારે બપોરે વેર હાઉસિંગ કોર્પોરેશનના અધિકારી લાલસા પ્રસાદ અને તેમની ટીમ આવી પહોંચી હતી. હજુ પખવાડિયાનો સમય હોવા છતાં તાબડતોબ કબજો લેવા માટે આવી પહોંચતા કબજેદાર ઓટો સંચાલકો દ્વારા કબજો આપવાના મુદ્દે ચણભણ થઈ હતી.
અધિકારીઓએ વર્તન પણ ખૂબ બેજવાબદારીભર્યું કર્યું હતું તેવું નવજીવન હુન્ડાઈ શોરૂમના સેલ્સ મેનેજર રજત જૈનનું કહેવું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આ રીતે મુદ્ત પૂરી નથી થઈ છતાં તાબડતોબ કબજો લેવા માટે મિલકત સીલ કરવા માટેની પેરવી કરાઈ હતી. મહિલા કર્મચારીઓ અને ગ્રાહકો હોવા છતાં શટર પાડી દીધું હતું, બંને ગેટને પણ તાળ મારી દીધાં હતાં. આથી ઓટો શો રૂમના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલચાલી બાદ ઝપાઝપી થઈ હતી. આ મામલે સંચાલકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામને છોડાવ્યાં હતા. બહાર નીકળેલી કર્મચારીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.
મહિલા કર્મચારીઓ અને ગ્રાહકોની હાજરી હોવા છતાં શો રૂમને ચાર કલાક સુધી તાળુ મારી દીધું હતું. એટલે, તમામે ચાર કલાક સુધી ગોંધાયેલી હાલતમાં રહેવું પડ્યું હતું.