બારડોલી તાલુકાના વાંસકુઇ ગામે સીમાડા ફળિયામાં વર્ષ ૨૦૦૮માં જમીન બાબતેના ભાઇઓ વચ્ચેના ઝઘડામાં મોટાભાઈને નાના ભાઇએ લાકડીને ફટકો માથામાં મારી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ હત્યાના ગુનામાં નાના ભાઈ સજા થઇ હતી. બે વર્ષ પહેલા સજા ભોગવી બહાર નીકળ્યા બાદ પણ ભત્રીજાને અવારનવાર ધમકી આપતો હોવાથી ગુરુવારે ભત્રીજાએ સસરો અને સાળાની મદદથી કાકાને બાલ્દા ગામે કુહાડી વડે બંન્ને પગમાં બે-બે ઘા ઝીંકી દીધા હતા.
વાંસકૂઈ ગામે સીમાડા ફળિયામાં રહેતા શાંતિલાલ ફતેસીંગ ચૌધરીના પિતાની હત્યા વર્ષ ૨૦૦૪માં જમીનના ઝઘડામાં કાકા બહાદુર સેવજીભાઈ ચૌધરીએ કરી હતી. આ અંગે બારડોલી પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો હતો અને સજા થઇ હતી. વર્ષ ૨૦૦૯માં સજા કાપી બહાર નીકળ્યો હતો. ત્યારબાદ પણ કાકા અવારનવાર ભત્રીજા સાથે મારવાની ધમકી આપતો હતો.
ગુરુવારના રોજ બારડોલી તાલુકા બાલ્દા ગામના બસ સ્ટેન્ડ સામે રાત્રે ૨.૪૫ વાગ્યાના સમયે શાંતિલાલ ચૌધરી સસરા બચુભાઈ મકનભાઈ ચૌધરી અને સાળો મહેશ બચુભાઈ ચૌધરી (બન્ને રહે. કાપોદ્રા-સુરત) ત્રણે ઊભા હતાં, તે દરમિયાન કાકા બહાદુર ચૌધરીએ આવી ઝઘડો કર્યો હતો. આવેશમાં આવેલો ભત્રીજો કુહાડી લઇ આવ્યો હતો અને સસરો અને સાળાએ બહાદુરભાઈને પકડી રાખ્યા હતાં. ત્યારબાદ ભત્રીજાએ જમણા અને ડાંબા પગમાં બે-બે ઘા ઝીંકી દીધા હતાં.