યુવરાજસિંહ બહાદુર લડવૈયો હોવાથી બીમારી સામે વિજેતા બનશે : ઇખર એક્સપ્રેસ
ઓલરાઉન્ડર યુવરાજસિંહ બહાદુર લડવૈયો છે ત્યારે તેની ફાઇટિંગ સ્પિરિટ અને પોઝિટિવ એટીટયુડના જોરે તે કેન્સરની બિમારી સામે વિજેતા બની રમતના મેદાનમાં જલદી પાછો ફરશે તેવો મને પુરો વિશ્વાસ છે તેમજ તેના સ્વાસ્થ્ય માટે દુઆ ગુજારૂ છું તેમ ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર મુનાફ પટેલે બેંગ્લોર ખાતેથી જણાવ્યું છે.
ભરૂચ જિલ્લાના ઇખર ગામના વતની અને ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય મુનાફ પટેલે ઓલરાઉન્ડર યુવરાજસિંહ જલદી સાજો થઇ જાય તે માટે દુઆ ગુજારી છે. ઈંગ્લેન્ડ સામેની વન ડે શ્રેણીમાં ઘાયલ થયાં બાદ મુનાફ પટેલ હાલ બેંગલોરમાં સારવાર લઇ રહયો છે. દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં મુનાફે જણાવ્યું હતું કે, યુવરાજસિંહ એક અચ્છો લડવૈયો છે અને મને વિશ્વાસ છે કે તે તેની ફાઇિંટગ સ્પિરિટ અને પોઝિટિવ એટીટયુડના કારણે બિમારી સામે વિજય મેળવી ક્રિકેટના મેદાન પર ઝડપથી પાછો ફરશે અને અમે સૌ તેને ફરીથી રમતો જોવા આતુર છીએ.
ભરૂચ ડિસ્ટ્રિકટ ક્રિકેટ એસોસીએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદારે પણ યુવરાજસિંહને ફાઇટિંગ સ્પિરિટવાળો ખેલાડી ગણાવ્યો હતો. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, યુવરાજસિંહને કેન્સર હોવાનું નિદાન થયાં બાદ ભરૂચ જિલ્લાના ક્રિકેટરો તથા ચાહકોમાં ભારે દુ:ખ જોવા મળી રહ્યું છે. મુનાફ ઝડપથી સ્વસ્થ થઇ ક્રિકેટના મેદાનમાં ફરી તરખાટ મચાવે તે માટે અમે સૌ દુઆ ગુજારી રહયાં છે.
ભારતને ૨૮ વર્ષ બાદ વિશ્વવિજેતા બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ઓલરાઉન્ડર યુવરાજસિંહને કેન્સર હોવાનું નિદાન થયાં બાદ તેના ચાહકોમાં દુ:ખની લાગણી પ્રવર્તી રહી છે.
ભારતીય ક્રિકેટ ટીમમાં ઇખર ગામના મુનાફ પટેલની પસંદગી થયાં બાદ ભરૂચ જિલ્લામાં ક્રિકેટની રમતનો વ્યાપ વધ્યો છે. યુવરાજસિંહને ક્રિકેટના મેદાન પર ફરીથી રમતો જોવા માટે ભરૂચ ઉપરાંત મધ્ય ગુજરાતના ક્રિકેટ રસિકો ભારે ઉત્સુક છે અને તેઓ પણ યુવરાજનાં સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહયાં છે.