૨૭ ઓગસ્ટે મુકેશની પુણ્યતિથિએ ત્રણ દાયકાથી મુકેશનાં ગીતોને ગાઈ શ્રદ્ધાંજલિ આપતા માસ્ટર
કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને આટલી હદે પોતાનામાં આત્મસાત કરી શકે તે માની શકાય તેમ નથી પરંતુ તેમ છતાં એ હકીકત છે. ગાંડપણની હદે ગાયક મુકેશને એડ્વોકેટ જગદીશ માસ્તરે પોતાના જિગરમાં જડી દીધા છે, પણ તે ગાંડપણ નથી તે તો છે જાણે મુકેશના શબ્દદેહની જ પ્રતિકૃતિ.... મુકેશ માટેનો તેમનો પ્રેમ અને પૂજાની પરાકાષ્ટા ગજબનાં ભયંકર છે.
બહુ ઓછાને ખબર હશે કે ૨૭ ઓગસ્ટના રોજ મહાન ગાયક મુકેશની પુણ્યતિથિ છે. કદાચ મુંબઈની મહાનગરીમાં પણ આ મહાન ગાયક મુકેશને જે શ્રદ્ધાંજલિ નહીં અપાતી હોય તેવી અનોખી રીતથી સુરતનો આ ઇન્સાન મુકેશને શ્રદ્ધાંજલિ અર્પે છે.
છેલ્લા ત્રણ દાયકાથી સતત એક જ શહેર, એક જ હોલમાં, એક જ તારીખે, એક જ સમયે એટલે ૨૭ ઓગસ્ટની રાત્રે ૯ કલાકે ગાંધીસ્મૃતિ હોલમાં મુકેશનાં ગીતો પોતાના કંઠે ગાઈને જગદીશ માસ્તર તેમના આરાધ્યદેવ બની ચૂકેલા મુકેશને હર્ષ અને અશ્રુભીની શોકાંજલિ આપે છે. આ કાર્યક્રમનું સૌથી મોટું જમાપાસું એ છે કે તેમાંથી ભેગા થતાં ભંડોળમાંથી જગદીશ માસ્ટર ગરીબો અને વૃદ્ધોને લકઝરી કરી વીરપુર જલારામ મંદિરના દર્શને લઈ જાય છે.
મુકેશના ‘ એન્સાયકલોપીડિયા’ સમા માસ્ટર પાસે મુકેશ ગાયેલાં કુલ ૧૦૫૦ ગીતમાંથી ૯૨૦ ગીત સંગ્રહમાં છે અને તેમાંથી ૬૦૦ ગીત તો તેમને કંઠસ્થ છે. અને આ શહેર ગૌરવ લઈ શકે તેવી વાત તો એ છે કે માસ્ટરે દેશ-વિદેશમાં મળીને મુકેશનાં ગીતો માટે ૮૦૦ જેટલા સ્ટેજ કાર્યક્રમો કર્યા છે.
સાંજના ૪.૩૦ થાય એટલે સુરત જિલ્લા વકીલમંડળની રૂમમાં માસ્ટરની રાહ જોવાય
સુરત જિલ્લા વકીલમંડળનું ઘરેણું કહેવાતા માસ્ટરને સાંભળવા તેમના મિત્રો કાયમ તત્પર રહે છે. સાંજના ૪.૩૦ વાગ્યાથી જ તેમની રાહ જોવાનું શરૂ થઈ જાય છે અને પછી વકીલમંડળની રૂમમાં ક્યારેક બરાબરનો માહોલ જામે. ગાયક મુકેશે મોટા ભાગનાં ગીતો રાજ કપૂર માટે ગાયાં હતાં અને તેથી જ કાયમ રાજ કપૂર જેવાં વસ્ત્રો પહેરતાં અને મુકેશનાં ગીતો ગાતા માસ્ટરે ગાયક મુકેશને આ શહેરમાં જીવતો રાખ્યો છે.
માસ્ટરનું ઘર કે પછી ગાયક મુકેશનું મંદિર....
જગદીશ માસ્ટરે તેમના ઘરને ગાયક મુકેશનું મંદિર બનાવી દીધું છે. આખા ઘરને તેઓએ મુકેશના બાળપણથી માંડીને અંત સુધીની તસવીરોથી મઢી દીધું છે. કોઈ પણ કાર્યક્રમ પહેલાં તેઓ પોતાના આરાધ્ય દેવ મુકેશની પૂજા કરવાનું ચૂકતા નથી.
મારી સ્મશાનયાત્રામાં મુકેશનાં જ ગીતો વગાડવાં
માસ્ટરનું વસિયતનામું એડ્વોકેટ માસ્ટરે પોતાનું વસિયતનામું તૈયાર કરાવ્યું છે. તેમની સ્મશાનયાત્રામાં માસ્ટરને તેમની કાયમી રાજ કપૂર સ્ટાઇલ વસ્ત્રોશૈલીમાં શણગારી, આગળ ડી. જે. સાઉન્ડમાં મુકેશનાં ગીતો વગાડવાં. સ્મશાનયાત્રામાં જોડાનાર તમામે સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને આવવું અને બળીને ભસ્મ થઈ ગયા બાદ ‘ જાને કહાં ગયે વો દિન’ ગીત અવશ્ય વગાડવું.