સુરતને મુંબઈ-દિલ્હી મેંગલોર સહિતની અનેક કનેક્ટિવિટી મળી જતા શહેરની ફેસબુક ફેન ક્લબના સભ્યો હવે આ લડતને આગળ લઈ જવા માંગે છે.સભ્યોએ સુરત એરપોર્ટને હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે એરપોર્ટ ઓથોરિટીને લેખિતમાં રજૂઆત કરી છે.ઉપરાંત, કિંગફિશર, જેટ એરવેઝ, ઇન્ડિગો વગેરે એરલાઇન્સને સુરતમાં ફલાઇટ શરૂ કરવા માટે ઇમેલ કર્યા છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલે.એન્ડ ટેલિકોમ્યુનિકેશનના ફાઉન્ડર ચેરમેન અને ફેસબુક ક્લબના સભ્ય ઉત્પલ મિસ્ત્રીએ કહ્યું હતું કે ફેસબુકની ચળવળને જે વેગ મળ્યો તેનો યશ દિવ્ય ભાસ્કરને ફાળે જાય છે. ફેસબુક પર મનોજ સિંગાપુરી અને બાકીના મિત્રોએ ચળવળમાં એક્ટિવ ભાગ ભજવ્યો અમે ટેક્નોલોજીનો સદુપયોગ કરીને સુરતમાં એરકનેક્ટિવિટી લાવવાના પ્રયત્નો કર્યા હતા.સૌ પ્રથમ સુરત માટે એરકનેક્ટિવિટીની ફેસબુક પર લડત પ્રિયાંક અને સૌનક દેસાઈ નામના યુવાનોએ કરી હતી. એ પછી તો અનેક લોકો ફેસબુકમાં જોડાયા છે.ફેસબુકના સભ્યોએ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન, ઉડ્ડયન મંત્રી અને સ્પાઇસ જેટ સાથે સતત કોમ્યુનિકેશન કરીને તેમની ઉંઘ હરામ કરી નાંખી હતી.
દોઢ મહિના સુધીનાં બુકિંગ ફુલ
ક્લબના સભ્યો કહે છે સુરતમાં અમે જેને પૂછતાં હતા તે એમ જ કહેતા હતા કે અહીં ટ્રાફિક મળવો મુશ્કેલ છે. પણ ૧લી ફેબ્રુઆરીએ સ્પાઇસ જેટ શરૂ થયાને હજુ સપ્તાહ પણ થયું નથી અને લગભગ દોઢ મહિના સુધીનું બુકિંગ ફુલ થઈ ગયું છે.
દિવ્ય ભાસ્કરની પ્રેરણા કામ લાગી
દિવ્ય ભાસ્કરે સૌ પ્રથમ સુરતમાં એરપોર્ટ શરૂ કરવા જે ઝુંબેશ ચલાવી હતી તેના અમે સાક્ષી છીએ અને એરકનેક્ટિવિટી માટે અખબારે જે સામાજિક જવાબદારી સતત નિભાવી તેનાથી અમને જબરદસ્ત પ્રેરણા મળી હતી. ઉત્પલ મિસ્ત્રી, ફેસબુક ક્લબના સભ્ય