નર્મદ યુનિવર્સિટીમાં ૪૫૩ પરિવાર પર કરવામાં આવેલા સરવેનું ચોંકાવનારું તારણ
મચ્છરો દર વર્ષે શહેરના R ૩૦ કરોડ રૂપિયા ખાઇ જાય છે, તેમાં મેલેરિયાથી પીડાતા લોકોએ કરેલા ખર્ચ ઉપરાંત તેને અટકાવવા કરાતા સરકારી ખર્ચનો પણ સમાવેશ થાય છે, તેમ તાજેતરમાં જ સુરતમાં મેલેરિયા અંગે કરાયેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું.
સંશોધનમાં જણાયું છે કે વર્ષ ૨૦૦૭-૦૮માં શહેરમાં નોંધાયેલા મેલેરિયાના દર્દીઓની કુલ સંખ્યા ૩૨,૬૯૩ હતી. આ દર્દીઓએ સારવાર પાછળ કરેલા ખર્ચ અને તેમણે બીમારીના દિવસો દરમિયાન ગુમાવેલી આવક સહિતનો આંક R ૧૨,૭૬, ૯૮,૮૫૮ મુકાયો હતો. બીજી બાજુ તે વર્ષે સુરત મહાનગરપાલિકાના મેલેરિયા નિયંત્રણ વિભાગનું કુલ બજેટ R ૧૬,૭૯,૮૩,૩૪૯ કરોડ હતું. આમ, આ બન્ને ખર્ચાઓનો સરવાળો કરીએ તો તે R ૨૯,૫૬,૮૨,૨૦૭ કરોડ સુધી પહોંચે છે.
આ સંશોધન સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી ગાયત્રી ઘીવાલા દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના માજી વડા ડૉ. મીનુ પરબિયા અને એમ.એચ.આર.ડી. વિભાગના વડા ડૉ. કિરણ પંડ્યાના સંયુક્ત માર્ગદર્શન હેઠળ કરાયું હતું. સેમ્પલ તરીકે સેન્ટ્રલ ઝોનના ૪૫૩ પરિવારોને લેવાયાં હતાં.
સંશોધનમાં બીજી કેટલીક ચોંકાવનારી માહિતી પણ જાણવા મળી હતી. એક વ્યક્તિને જો મેલેરિયા એક અઠવાડિયા સુધી લંબાય તો તેને તેનો ખર્ચ R ૫૩૦ જેટલો આવે છે, બીજા અઠવાડિયે તે વધીને R ૨૧૬૦ થાય છે. જો બીમારી ત્રણ અઠવાડિયા સુધી લંબાય તો ખચોg ૬૬૦૦ સુધી પહોંચે છે. જો રોગ એક મહિના સુધી ખેંચાય તો દર્દીને R ૧૨૩૯૦ના ખાડામાં ઉતારી દે છે.
નોકરિયાત લોકોમાં ઓછો
સંશોધનમાં જાણવા મળ્યું હતું કે મેલેરિયા થવામાં વ્યવસાયની દ્રષ્ટિએ કોઇ મોટો ફેરફાર નથી હોતો. મજુર તરીકે કામ કરતા લોકોમાં તેની ટકાવારી ૨૮ ટકા જેટલી રહી હતી અને વેપારીવર્ગમાં ૨૦ ટકા જોવા મળી હતી. જ્યારે નોકરિયાત વર્ગમાં તેની ટકાવારી ૧૫ ટકા જ જોવા મળી હતી.
સુરતમાં નવા છો? મચ્છરોથી બચીને રહેજો
સુરતમાં વસવાટનાં વર્ષો અને મેલેરિયા વચ્ચે સીધો સંબધ જોવા મળ્યો હતો. જે લોકો ૨૫ વર્ષ કરતાં વધુ સમયથી સુરતમાં રહેતા હતા તેમનામાં મેલેરિયા થવાની ટકાવારી ૧૯ ટકા જેટલી હતી, જ્યારે ૧૦થી ૨૫ વર્ષ સુધીનો વસવાટ ધરાવતા લોકોમાં તેનું પ્રમાણ ૩૧ ટકા હતું. જે લોકો સુરતમાં દસ વર્ષ પહેલાં જ આવ્યા હોય તેમનામાં મેલેરિયાનું પ્રમાણ ૩૨ ટકા જેટલું જોવા મળ્યું હતું. આ અંગે ડૉ. મીનુ પૂરબિયાએ જણાવ્યું હતું કે લાંબા વસવાટને કારણે શરીરમાં એન્ટીબોડીઝ ડેવલપ થાય છે, જેથી મેલેરિયા થવાની શક્યતા ઘટે છે. ઉપરાંત નવા આવેલા લોકો પ્રમાણમાં ગંદાં વસવાટોમાં રહેતા હોવાથી તેમનામાં મેલેરિયા થવાની શક્યતા વધી જાય છે.