ઉઠમણું કરનાર સુરેશ હરિઓમ માર્કેટમાં એન.એસ.ક્રિયેશનના નામે વેપાર કરતો હતો અને તેનું આદર્શ માર્કેટમાં ગોડાઉન હતું, રિંગ રોડ હરિઓમ માર્કેટ ખાતે દુકાન ધરાવતા એક વેપારીએ ઉઠમણું કરતાં મોડી સાંજે વીવર્સ દોડતા થયા હતા. આ વેપારીએ અંદાજે રૂપિયા સવા કરોડમાં ઉઠમણું કર્યું હોવાનું માનવામાં આવે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર સુરેશ નામનો એક વેપારી ત્રણ વર્ષથી રિંગ રોડ ખાતે આવેલી હરિઓમ માર્કેટમાં એન.એસ. ક્રિયેશનના નામે વેપાર કરતો હતો. સુરેશ દ્વારા આદર્શ માર્કેટમાં ગોડાઉન રાખવામાં આવ્યું હતું. બજારમાં સારી શાખ હોવાને કારણે વીવર્સ દ્વારા પણ નિશ્વિંત થઈને તેને ઉધારીમાં ગ્રે કાપડ આપવામાં આવતું હતું.
છેલ્લા કેટલાક સમયથી વીવર્સને પેમેન્ટ માટે વાયદા કરનાર સુરેશ બુધવારના રોજ એકાએક ગાયબ થઈ ગયો છે. એન.એસ. ક્રિયેશનનો સંચાલક નાસી ગયાની વાત જાહેર થતાં મોડી સાંજે કેટલાક વીવર્સ હરિઓમ માર્કેટ અને આદર્શ માર્કેટ ખાતે દોડી ગયા હતા.
આ વેપારી પાસે ૬૦ જેટલા વેપારીના અંદાજે રૂપિયા સવા કરોડ ફસાયા હોવાનું કહેવાય છે. હાલમાં જે વીવર્સના રૂપિયા ફસાયા છે તેમના દ્વારા આ વેપારી સામે સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
દરમિયાન માર્કેટમાં દિવાળી અગાઉ ઉઠમણાંનો સિલસિલો ફરી શરૂ થતાં જેન્યુઇન વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.