સુરતમાં દર વર્ષે ૧૦૦ કરોડની સરેરાશથી ટીડીએસની આવક વધવા સાથે ૫૫ ટકા હિસ્સો
કાર્યવાહી ઝડપી બનાવવાના હેતુથી ઓનલાઇન ટીડીએસ પ્રથા શરૂ કરાઈ પરંતુ આખરે કમ્પ્યૂટર ઓપરેટ તો માનવી જ કરે છે અને ટીડીએસ ફાઇલ કરતી વેળા કરદાતાની નાની સરખી ભૂલ પણ ભારે પડતી હોય છે. સ્પેલિંગ અને નંબર મિસમેચના કારણે મોટા ભાગના ટીડીએસની ક્રેડિટ કરદાતાને સમયસર મળતી નથી, એમ સુરતના કમિશનર ઓફ ઇનકમટેક્સ ટીડીએસ સમીર વકીલે બુધવારે ટીડીએસ પરના જાહેર પરિસંવાદમાં જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે, ટીડીએસમાં સુરતનો હિસ્સો દર વર્ષે ૧૦૦ કરોડની સરેરાશથી વધી રહ્યો છે.
સમૃદ્ધિ ભવન ખાતે ઇનકમટેક્સ બાર એસોસિયેશન અને ઇનકમટેક્સ ડિપાર્ટમેન્ટના સહિયારા પ્રયાસથી યોજાયેલા કાર્યક્રમમાં કે. એલ. મહેશ્વરી કમિશનર ઓફ ઇનકમટેક્સ ટીડીએસ, અમદાવાદે સંબોધન કરતાં કહ્યું કે, કેન્દ્ર સરકારની આવકનો મુખ્ય ક્ષોત ટીડીએસ છે અને ગુજરાતનો તેમાં ૫૫ ટકા હિસ્સો છે.
આસિ. સીઆઈટી કિરણ દેશપાંડેએ ટેક્નિકલ પાસાં રજુ કરતાં કહ્યું હતું કે, કરદાતા ટીડીએસની જાણકારી ફોર્મ ૨૫ (એએસ) દ્વારા ઓનલાઇન મેળવી શકે છે. કરદાતાએ જાતે જ ટેક્સ ક્રેડિટ મેળવી બાદમાં રિટર્ન ફાઇલ કરવું હિતાવહ છે. પૂર્વપ્રમુખ મિતીષ મોદીએ કહ્યું કે, હવે ટેક્સ એડ્વોકેટની જવાબદારી ટીડીએસ ફાઇલ કરવાથી ક્રેડિટ મળે ત્યાં સુધી ફોલોઅપ કરવાની થઈ છે.
રિફંડ માટે બેકિંગ સિસ્ટમ કાર્યરત થઈ
હવેથી રિફંડ મેળવવાની કામગીરી પણ ‘રિફંડ બેન્કિંગ સિસ્ટમ’ હેઠળ સ્ટેટ બેન્કને સોંપવામાં આવી છે. કરદાતાએ જાગૃત બની પોતાના ટેક્સ અંગેની ક્રેડિટ મેળવવી જોઈએ. વિક્રાંત ઘાએલ, પ્રમુખ, ઇનકમટેક્સ બાર એસો.