નવા ડાયરેકટ ટેક્સ કોડમાં વિવાદાસ્પદ કલમ ૧૩૯(૨)(એફ) દૂર કરાતાં હીરાઉદ્યોગને મોટી રાહત
આવકવેરા વિભાગ દરોડાની કાર્યવાહી દરમિયાન હવે કીમતી જવેલરી, બુલિયન, સ્ટોન વગેરે જપ્ત કરી શકશે નહીં. નવા ડાયરેકટ ટેક્સ કોડમાં કલમ ૧૩૯ (૨-એફ)ને સરકારે દૂર કરી દેતાં હીરાઉદ્યોગને મોટી રાહત મળી છે.
અગાઉ ટેક્સ કોડમાં કલમ ૧૩૯(૨-એફ) દાખલ કરવામાં આવી હતી, જે હીરાઉદ્યોગ માટે સમસ્યારૂપ બની ગઈ હતી. આ કલમ હેઠળ અધિકારીઓને સ્ટોક જપ્ત કરવાની સત્તા આપવામાં આવી હતી. રિવાઇઝ્ડ એકશન પેપરમાં આ અંગે કોઇ ઉલ્લેખ કરાયો ન હતો, પરંતુ હવે મૂકવામાં આવેલ કોડની જોગવાઇમાં હીરા-ઝવેરાતની સત્તા હવે દૂર કરાઈ છે એમ ટેક્સ કન્સલ્ટન્ટ વિરેશ રૂદલાલે જણાવ્યું છે.
હવે નવી કલમ ૧૩૫(૨-ઈ) મુજબ કોઇ પણ પ્રકારનો સ્ટોક જપ્ત થઈ શકશે નહીં. હા, ઇન્વેન્ટરી બનાવી શકાશે. જોકે, એસેસમેન્ટમાં હેરાનગતિ વધે તેવો ભય છે. અધિકારીઓ વિગતો મેળવી તેના આધારે અથવા અન્ય માહિતીને આધિન પાછલાં સાત વર્ષ સહિત આઠ વર્ષના કેસ રિઓપન કરી શકે છે. ઉપરાંત કરદાતાએ ખરીદેલી જવેલરી, મિલકત વગેરે વેલ્યુએશન ઓફિસરને રફિર કરવામાં આવશે.
આવકની સ્વૈચ્છિક જાહેરાતની પેનલ્ટી ઘટાડી ૧૦ ટકા કરાઈ
હાલની જોગવાઈ મુજબ આવકની સ્વૈચ્છિક જાહેરાત માટે કોઈ દબાણ કરવામાં આવશે નહીં, પરંતુ આવકવેરા રિટર્નમાં જો આવી આવક સ્વૈચ્છિક દર્શાવીને ટેક્સ ભરી દેવામાં આવે તો દંડમાં રાહતની જોગવાઈ છે. તેનાથી વપિરીત નવા ટેક્સ કોડમાં સ્વૈચ્છિક જાહેરાતને પ્રોત્સાહક પગલાં તરીકે પેનલ્ટી ઘટાડીને ૧૦ ટકા કરાઈ.
ચોપડા નહીં રાખનારને ૫૦ હજારથી બે લાખ સુધીનો દંડ ભરવો પડશે
ચોપડા રાખવામાં આવે નહીં કે ટેક્સ ઓડિટ કરાવવામાં ન આવે તો નવા કોડમાં R ૫૦ હજારથી ૨ લાખ સુધીની પેનલ્ટીની જોગવાઈ થઈ છે. નોટિસના અનુસંધાનમાં હાજર નહીં થનારને R ૫ હજારથી ૧ લાખની પેનલ્ટી થશે. નાની ભૂલમાં R ૧ લાખનો દંડ કરદાતાને પરેશાન કરશે.
એસઇઝેડમાં પણ રાહત
ડાયરેકટ ટેક્સ કોડમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે પણ રાહત આપવામાં આવી છે. માર્ચ ૨૦૧૪ સુધીમાં એસઇઝેડમાં યુનિટ સ્થાપના એકમોને દસ વર્ષ સુધીની કર રાહત મળશે. આ નિર્ણયને કારણે સુરતમાં ઇચ્છાપોર ખાતે બની રહેલા જેમ એન્ડ જવેલરી પાર્કને મોટો ફાયદો મળશે.