૫ ફાઇટર, ૮ ટેન્કર અને એક હાઇડ્રોલિક વ્હિકલની મદદથી ૪૫ મિનિટ બાદ લાશ્કરોએ આગ કાબૂમાં લીધી
સલાબતપુરા વિસ્તારમાં આવેલી સિદ્ધિ શેરીમાં ત્રણ માળની ઇમારતમાં ચાલી રહેલા યાર્નના લઘુઉદ્યોગમાં બુધવારે બપોરે શોર્ટસર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગે ૪૫ મિનિટની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો છતાં ૧૫૦૦ કિલો યાર્ન અને અન્ય સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
ફાયર બ્રિગેડનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર કિશોરભાઈ છગનલાલ કાપડિયા સલાબતપુરામાં આવેલી સિદ્ધિ શેરીમાં ત્રણ માળના મકાનમાં રહેવાની સાથે મેટાલિક યાર્ન બનાવવાનો લઘુઉદ્યોગ ચલાવે છે. બુધવારે બપોરે શોર્ટસર્કિટને કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ફાટી નીકળી હતી.
ફાયર બ્રિગેડને જાણ થતાં લાશ્કરો તાત્કાલિક ઘટનાસ્થળેધસી ગયા હતા લાશ્કરોએ આગ પર કાબૂ મેળવવા માટે પાંચ ફાયર ફાઇટર્સ, ૮ વોટર ટેન્કર અને એક હાઇડ્રોલિક વ્હીકલનો ઉપયોગ કર્યો હતો. આ ભીષણ આગમાં ૧૫૦૦ કિલોથી વધુ યાર્ન બળીને ખાખ થઈ ગયું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું હતું.
સિલિન્ડર ફાટતાં નાસભાગ મચી
શોટ સર્કિટથી આગ લાગી ત્યારે તેની તીવ્રતા બહુ ઓછી હતી પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકેલું ગેસ સિલિન્ડર ફાટતાં મકાનનો પહેલો અને બીજો માળ પણ આગની લપેટમાં આવી ગયો હતો. સિલિન્ડર ધડાકાભેર ફાટતાં આખા વિસ્તારમાં લોકોની નાસભાગ મચી ગઈ હતી. નસીબજોગ આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ઇજા પહોંચી ન હતી.