મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઇવેના નિર્માણની પ્રક્રિયામાં સુરત જિલ્લાના સંખ્યાબંધ ખેડૂતોની ૬૦૦ હેક્ટર કરતાં વધારે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમાં જિલ્લા સંપાદન અધિકારી વિભાગ-૧ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાતા ખેડૂતોએ ઉગ્ર આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. રાજ્ય ખેડૂત સમાજે સ્પષ્ટ ચીમકી આપી છે કે ખેડૂતોના ભોગે ક્યારેય ઉદ્યોગોને વિકાસ કરવા નહીં દેવાય. ૩પ કિમીના આ વિસ્તારમાંથી ત્રણ જેટલા નેશનલ હાઇવે બનાવવામાં હજારો હેક્ટર ખેતીલાયક જમીન કપાતમાં જઈ રહી છે. આમ ઉદ્યોગોને સવલત આપવાના ભોગે હજારો ખેડૂતોને જમીનવિહોણા કરવાની કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિ સામે ખેડૂતો ૧૩મીએ કામરેજ ખાતે એક મહારેલી યોજી વિરોધ કરશે. આ મહારેલી ૧૩ ફેબ્રુઆરીના રોજ કામરેજ ચાર રસ્તાથી જિલ્લા સંપાદન અધિકારી કચેરી, નાનપુરા, બહુમાળી સુધી કાઢવામાં આવશે.
જાહેરનામું પ્રસિદ્ધ કરાતા ખેડૂતોમાં રોષ
એક્સપ્રેસ હાઇવે નિર્માણમાં કોઈપણ પૂર્વ કાયદાકીય પ્રક્રિયા વગર જ જમીન સંપાદન વિભાગ-૧ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે, તેમાં ખેડૂતોને અંધારામાં રાખીને આ જાહેરનામું બહાર પડાયું હોવાનો આક્ષેપ ગુજરાત રાજ્ય ખેડૂત સમાજે કર્યો છે. તેમાં એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ અને સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ જેવી કાયદાકીય પ્રક્રિયા વગર જ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદનમાં લેવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.
હજારો ખેડૂતોની રોજી સામે લટકતી તલવાર
જિલ્લામાં હાલમાં ૩પ કિમીના વિસ્તારમાં ત્રણ ગંજાવર સિકસ લેન નેશનલ હાઇવે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તેમાં હાંસોટ-મુંબઈ કોસ્ટલ હાઇવે, હજીરા-ધૂલિયા નેશનલ હાઇવે પ્રોજેક્ટ, નેશનલ હાઇવે નંબર-૮નું વાઇડનિંગનું કામ આ ઉપરાંત રેલવે કોરિડોરમાં કુલ હજારો હેક્ટર ફળદ્રુપ જમીન પડાવી લેવાશે. આ જમીન ઉદ્યોગોને સવલત આપવા માટે લેવાશે. આમ ઉદ્યોગ અને ઉદ્યોગપતિને ચલાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને બરબાદ કરી રહી છે.