વકીલો અને મિડિયેટરના પ્રયાસોથી બે સંતાનોને ફરી પિતાની છત્રછાયા મળી
છેલ્લા ૩ મહિનામાં શહેરની ફેમિલી કોર્ટમાં ૩૦૦ કેસોના નિકાલ અને ૧૦૦થી વધુ કેસોમાં સમાધાન થવાના હકારાત્મક બનાવોમાં શનિવારે વધુ એકનો ઉમેરો થતાં ફેમિલી કોર્ટના કન્સેપ્ટ અને કેસો પ્રત્યેના હકારાત્મક વલણનો ખયાલ ઉજાગર થયો છે.શહેરના ઉધના ખાતે રહેતી અને લીમડીગામે પરણેલી પરિણીતાએ પતિ અને સાસુ સામે ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
છેલ્લા આઠ માસથી ચાલતી આ ખટરાગમાં ફેમિલી કોર્ટના પ્રિન્સપાલ જજ ટી.કે.ગુરનાનીના વડપણ હેઠળ શનિવારે મળેલી લોક અદાલતમાં પતિ-પત્નીના વકીલો અને મિડિયેટર દ્વારા હકારાત્મક પ્રયાસો કરાતા આ દંપતિ વચ્ચે સમાધાન થયું હતું. અને બન્ને બાળકોને માતા-પિતાની છત્રછાયા મળી હતી.
ઉન ગામ યુવાન સોસાયટી ખાતે રહેતી રેશમાબેનના લગ્ન કિંજલ સતાણી સાથે થયા હતા. આ દંપતિને ત્યાં કરિશ્મા નામે પુત્રી અને સુજલ નામના પુત્રનો જન્મ થયો હતો. સાસુએ ઠપકો આપતા પોતાના બન્ને સંતાનો સાથે પિયર આવી ગઇ હતી. આખરે રશ્મીએ સાસુ અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.
સમજાવટ અને સમાધાનનો સફળ સિલસિલો
શનિવારે થયેલા સમાધાનમાં એડવોકેટ પ્રીતિ જોશી અને એડવોકેટ એન.જે.મોદી, મિડીયેટર સુરેશભાઇ પંડિતે કાઉન્સેલિંગ કરીને તેમના મનમેળ કરાવવા પ્રયાસ આદર્યો હતો. આખરે આ દંપતિએ સમાધાન કરી લીધુ હતું. આ લોક અદાલતમાં પ્રિન્સપાલ જજ ટી.કે.ગુરનાની,જજ આર.એન.પટેલ,સામાજીક કાર્યકરો-મધ્યસ્થીઓ મિકિતા નાયક, પુનિતા પ્રેમશારદા,સંગીતા ચોકસી,રાજેન્દ્ર કર્ણિક,કિરીટ કોઠારી અને તેજલ શેઠના પક્ષકારો પ્રત્યેના હકારાત્મક અભિગમ અને સમજાવટની જહેમતે સફળતા અપાવી હતી.