કલાશ્રી સંસ્થાની ત્રણ વિદ્યાર્થિનીઓએ રવિવારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં અરંગેત્રમ રજૂ કર્યું હતું. આ ૨૭મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડૉ. રાજેશ દેશાઈ, ડૉ. મહેન્દ્ર ચૌહાણ અને ઉમરીગર શાળાનાં આચાર્યા જિગીષા શેઠ ઉપસ્થિત રહ્યાં હતાં. ડિમ્પલ ડેપ્યુટી શાહ ૨૫ વર્ષથી ભરતનાટ્યમની તાલીમ આપી રહ્યા છે.
ફોરમ ઉમરીગર
ઉમરીગર શાળામાં ધો. ૯માં અભ્યાસ કરતી ફોરમ જયેશભાઈ અને હીનાબેન ઉમરીગરનું સંતાન છે. ૧૫ વર્ષની ઉંમરે કલાગુરુ ડિમ્પલ ડેપ્યુટીના માર્ગદર્શન હેઠળ ઘણાં કાર્યક્રમોમાં પરફોર્મ કરી ચૂકી છે. તેણીએ ફક્ત પાંચ વર્ષમાં ભરતનાટ્યમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ભરતનાટ્યમ સિવાય તે ડ્રોઈંગ, મ્યુઝિક અને પ્રવાસનો શોખ ધરાવે છે.
આયુષી ઉમરીગર
ઉમરીગર શાળાના ધોરણ ૭માં અભ્યાસ કરતી આયુષી ડૉ. રાજેશ અને જયોતિ ઉમરીગરનું સંતાન છે. કલાશ્રી સંસ્થા દ્વારા આયોજિત ઘણાં કાર્યક્રમોમાં આયુષી પરફોર્મ કરી ચૂકી છે. ૨૦૧૦માં ઇન્ટર સ્કૂલ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં તેણે પ્રથમ ઈનામ મેળવ્યું છે. તેણે ૬ વર્ષમાં અભ્યાસ પૂર્ણ કરી આરંગેત્રમ રજૂ કર્યું છે.
મનાલી રાઠોડ
લુર્ડસ કોન્વેન્ટમાં ધો. ૭માં ભણતી મનાલી ડૉ. શૈલેન્દ્રસિંઘ અને ડૉ. નીલિમા રાઠોડનું સંતાન છે. ૧૨ વર્ષની ઉંમરે ૬ વર્ષના અભ્યાસ દરમિયાન કલાગુરુ ડિમ્પલ ડેપ્યુટીના માર્ગદર્શન હેઠળ ઘણાં કાર્યક્રમોમાં પરફોર્મ કરી ચૂકી છે. અરંગેત્રમ રજૂ કરવું એ તેના જીવનનું એક સ્વપ્ન હતું, જે રવિવારે સંપન્ન થઈ ગયું. તસવીર : જિતેન્દ્ર જડિયા