ગુરુવારે રાત્રે સૂતેલા મેનેજરના મોઢા પર મફલર બાંધી દઈ ટૂંપો દઈ R ૧૫ લાખના હીરા, રોકડા ૧ લાખ લૂંટ્યા
વરાછા રોડ પર ગીતાંજલિ પેટ્રોલ પમ્પની પાછળ આવેલા વૃંદાવન ડાયમંડ એસ્ટેટમાં કામ કરતા એક મૂળ યુપીવાસી રત્નકલાકારે મેનેજરના ગળે ટૂંપો દઈ R ૧પ લાખના હીરા અને રોકડા રૂપિયા ૧ લાખની લૂંટ કરી હતી. શુક્રવારે સવારે જ્યારે કારખાનેદાર ખાતા પર આવ્યા ત્યારે ખબર પડી કે મેનેજરની હત્યા કરી લૂંટ થઈ છે.
મૂળ ધોરાજી તાલુકાના વતની ૪૦ વર્ષીય કિશોરભાઈ ઉર્ફે કિરીટભાઈ ડાહ્યાભાઈ હિરપરા વરાછમાં ગીતાંજલિ પેટ્રોલ પમ્પની પાછળ આવેલા વૃંદાવન ડાયમંડ એસ્ટેટમાં પિતરાઈ ભાઈ પ્રકાશ હરિભાઈ રાખોલિયા (રહે. સુરભિવિહાર સોસાયટી, વરાછા)ના કારખાનામાં મેનેજર તરીકે કામ કરતા હતા. આ કારખાનામાં એક વર્ષથી શક્તિસિંહ ઉર્ફે પિન્ટુ પ્રતાપસિંહ પરહિાર (રહે. છતરપુરા ગામ, સરકારી હોસ્પિટલ સામે, જિ. બાંદા, યુ.પી.)ને રત્નકલાકાર તરીકે રાખ્યો હતો.
મેનેજર કિશોરભાઈ અને પિન્ટુ દરરોજ કારખાનામાં જ સૂઈ જતા હતા. તિજોરીની ચાવી મેનેજર કિશોરભાઈ પાસે જ રહેતી હતી જે બાબત પિન્ટુ બહું જ સારી રીતે જાણતો હતો. ૧૧થી ૧૨ વાગ્યાના અરસામાં પિન્ટુએ સૂતેલા કિશોરના મોઢા પર મફલર બાંધી ટૂંપો દઈ હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પિન્ટુએ તિજોરીમાં મૂકેલા R ૧૦ લાખની કિંમતના ૨૦૦ કેરેટ રફ હીરા તથા R પ લાખની કિંમતના ૪૦ કેરેટ હીરા અને રોકડા રૂ ૧ લાખ મળી કુલ R ૧૬ લાખની મતા લૂંટી હતી.
રાત્રે આ ઘટનાની કોઈને ખબર ન પડે તે માટે પિન્ટુ ખાતાની ગ્રીલને તાળુ મારી ભાગી છુટ્યો હતો. સવારે ૧૦ વાગ્યે પ્રકાશભાઈને જ્યારે કારખાને આવ્યા ત્યારે તાળુ જોઈને ચોંક્યા હતા. તેમણે બૂમો પણ પાડી પરંતુ કોઈએ જવાબ ન આપ્યો. ત્યારે તાળુ તોડી તેઓ કારખાનામાં પ્રવેશ્યા તો મેનેજર કિશોરભાઈની લાશ જમીન પર પડી હોવાનું જણાઈ આવ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરાતા ડીસીપી એન. ડી. સોલંકી તથા પીઆઈ આર. એસ. પટેલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
રાત્રે ૧૧થી ૧૨ વાગ્યે હત્યા કરી હોવાનું એફએસએલનું તારણ
હત્યા બાદ વરાછા પોલીસે એફએસએલની મદદ લીધી હતી, જેમાં પ્રાથમિક રીતે એવું જણાઈ આવ્યું હતું કે પિન્ટુએ કિશોરભાઈની હત્યા રાત્રે ૧૧થી ૧૨ વાગ્યાના અરસામાં કરી હશે. પિન્ટુએ કિશોરભાઈના મોઢા પર મફલર લપેટી બે ગાંઠ મારી દીધી હતી અને પછી ગળુ દબાવી હત્યા કરી હતી. હત્યાના પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી.
ચાલાક હત્યારો રત્નકલાકાર પોતાનો ફોટો પણ લઈ ફરાર
હત્યારો પિન્ટુ ઉર્ફે શક્તિસિંહ જાણતો હતો કે શેઠ પાસે તેનો ફોટો છે અને આ ફોટો શેઠના ટેબલના ડ્રોઅરમાં મૂક્યો છે. તિજોરીમાંથી R ૧૬ લાખની મતા લૂંટયા બાદ હત્યારો ડ્રોઅરમાંથી તેનો ફોટોગ્રાફ પણ લઈ ગયો હતો. ફોટોગ્રાફની મદદથી પોલીસ પકડી લેશે એવી બીકથી તેણે આવું કર્યું હોવાનું કારખાનેદાર પ્રકાશભાઈ રાખોલિયાએ જણાવ્યું હતું. રત્નકલાકાર પિન્ટુ દરરોજ હીરાની ઘંટીઓની બાજુમાં જ સૂઈ જતો હતો પરંતુ ગુરુવારે આ સ્થળે માકડ મારવાની દવા છાંટવામાં આવી હતી. આથી તે ગુરુવારે મેનેજર કિશોરભાઈ સાથે તેમની કેબિનમાં સૂવા ગયો હતો. આ તકનો લાભ લઈને લૂંટારાએ લૂંટ ચલાવી હતી.