બીઆરટીએસના કેનાલ કોરિડોરવાળા રૂટ ઉપર પરવટ પાટિયા પાસે ૨૦૦ ફૂટની પહોળાઈ આપવા માટે નહેરની બંને બાજુએ ટીપી રોડ મૂકી દીધો. છ એપાર્ટમેન્ટ, શોપિંગ સેન્ટર્સ, બંગલા, રો-હાઉસ જેવી સેંકડો મિલકતોને નોટિસ ફટકારતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું
વિકાસના વાયરામાં સામાન્ય લોકોના પરિવારો વેરાન થઈ જાય તેવી સ્થિતિ ફરી એકવાર ઊભી થઈ છે. પરવટ પાટિયા પાસે બીઆરટીએસના કેનાલ કોરિડોર માટે આવી હાલત થઈ છે.
નહેરની બંને બાજુએ ટીપી રોડ ખુલ્લો કરવા માટે પાંચસોથી વધુ પરિવારોએ જિંદગીનું સર્વસ્વ હોમી દેવું પડે તેવો ઘાટ થયો છે. કાચાં મકાનો નહિ, આખેઆખાં એપાર્ટમેન્ટ્સ, કોમર્શિયલ કોમ્પ્લેકસ, બંગલા, રો-હાઉસનો ભોગ લેવા માટે પાલિકાએ નોટિસ ફટકારી દીધી છે. અસરગ્રસ્તોએ હાઈકોર્ટમાં ધા તો નાંખી છે છતાં ગમે ત્યારે માથા ઉપરથી છત અને પગ નીચેથી જમીન ખસી જાય તેવા ભયથી લોકો થરથર કાંપી રહ્યાં છે. આવી રીતે લોકોનાં મકાનો ઉપર વિકાસના તાયફા કરવાની સામે વિરોધ પક્ષે પણ નારાજગી દર્શાવી છે.