વિદ્યાર્થીઓ ચાલુ સ્કૂલે તિથલથી ઝડપાયાં ડીસીઓનો વિદ્યાર્થી અને વિદ્યાર્થિની તિથલમાં પ્રેમાલાપ કરતાં મળ્યાં
વલસાડના પારડી તાલુકાની ડીસીઓ હાઇસ્કૂલના ૧૦ વિદ્યાર્થીઓ અને ૩ વિદ્યાર્થિનીઓ ચાલુ સ્કૂલે યુનિફોર્મમાં પ્રેમગોષ્ઠી કરતા સ્થાનિક લોકોના હાથે ઝડપાઇ ગયા હતા. શુક્રવારનાં રોજ તિથલ ગામના કેટલાક જાગૃત ગ્રામજનો દ્વારા આ દુષણને ડામવા માટે ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું હતું. જે દરમિયાન ૧૫થી ૧૬ વર્ષીય વિદ્યાર્થીઓ સ્કૂલ યુનિફોર્મમાં નિંદર માણતા મળી આવ્યા હતા. જ્યારે થોડા દૂર અંતરે એક વિદ્યાર્થી સ્કૂલ યુનિફોર્મમાં પોતાની શાળાની વિદ્યાર્થિની સાથે પ્રેમક્રડા માણતા ઝડપાઇ ગયા હતા. જોકે ગ્રામજનો દોડી આવતા બન્ને સ્કૂલ બેગ ઉઠાવી ભાગી છુટયા હતા. ગભરાઇ ગયેલા આ વિદ્યાર્થીઓએ પોતાની ભૂલ સ્વીકારતા ગ્રામજનોએ ચેતવણી આપી છોડી મુક્યા હતા.
સ્કૂલ બેગ લઈને ભાગ્યાં...
તિથલના બીચ ઉપર એક ખૂણામાં એકાંતની પળ માણી રહેલા ડીસીઓનાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ જીવ બચાવી દોટ મૂકતાં કેમેરામાં કેદ થઇ ગયાં હતાં.
જાણકારી થતાં તપાસ ચાલી રહી છે: આચાર્ય
પારડીની ડીસીઓ હાઇસ્કૂલના આચાર્ય ઇશ્વરસિંહ જી.દેસાઇએ જણાવ્યું કે આ બાબતની જાણકારી મળતાં જ આ પાંચ વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી છે. શાળાને આ પાંચ વિદ્યાર્થીઓનાં જે નામ મળ્યાં છે તે મુજબ બપોરથી ચકાસણી કરવામાં આવી છે. કદાચ એવું પણ બને કે ડીસીઓ શાળાનો યુનિફોર્મ પહેરી અન્ય વિદ્યાર્થીઓ તિથલ ખાતેથી મળી આવ્યા હોય શકે.
તડકેશ્વર મંદિરમાં પણ બે વિદ્યાર્થિની અને ૬ વિદ્યાર્થી પકડાયા
બીજા બનાવમાં વલસાડના તડકેશ્વર મંદિરે બપોરના સૂમસામ ગાળામાં બે વિદ્યાર્થિની ૬ છોકરાઓની વચ્ચે પ્રેમગોષ્ઠિ કરતાં નજરે ચઢી હતી. સ્થાનિક લોકોએ કેટલાંક વિદ્યાર્થીઓની સ્કૂલ બેગ ચેક કરતાં તેમાંથી સ્કૂલના યુનિફોર્મ મળી આવ્યા હતા. અગાઉથી જ સ્કૂલમાં ગુલ્લી મારવાનો પ્લાન બનાવી આ વિદ્યાર્થીઓએ ઘરેથી જ જીન્સ, ટીશર્ટ બેગમાં મૂકી ચાલુ સ્કૂલે વલસાડ આવી પહોંચ્યાં હતાં. પૂછપરછ દરમિયાન વારંવાર વિદ્યાર્થીઓ નામ બદલતાં હોવાથી કડકાઇપૂર્વક પૂછપરછ કરતાં છેવટે રોણવેલ હાઇસ્કૂલનું નામ હોઠ ઉપર આવી ગયું હતું.