હોપપુલને બચાવવાથી તાપીમાં બ્રિજના ઉપરવાસના વિસ્તારોને નુકસાન થાય તેવો ટેક્નિકલ રિપોર્ટ હોવાથી બ્રિજને અડીખમ રાખી શકાય નહીં તેવું કોર્ટનું અવલોકન
શહેરના ઐતિહાસિક હોપપુલ માટે શહેરીજનો દ્વારા હાઈકોર્ટ પાસેથી રખાયેલી ન્યાયની આશાનું છેલ્લું કિરણ પણ જતું રહ્યું છે. બુધવારે હાઈકોર્ટમાં હોપપુલ માટે પૂર્વ આઈપીએસ અધિકારીઓ દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલ(પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન)ને ફગાવી દેવાઈ હતી. કોર્ટે ટેકનિકલ રિપોર્ટના તારણોને ધ્યાને લઈને પીઆઈએલને ફગાવી દેતો હુકમ કર્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણયને પગલે ગત મહિને સ્થાયી સમિતિએ બ્રિજને ઉતારી લેવા માટે R ૨.૩૧ કરોડમાં આપેલા કોન્ટ્રાક્ટનું અટકાવાયેલું કામ આગળ ધપાવાશે.
હોપપુલને ઐતિહાસિક વિરાસત તરીકે જાળવવા માટેની માગ માટે પૂર્વ પોલીસ કમિશનર આઈ. એસ. બિન્દ્રા સહિતના અગ્રણીઓ સાથેના સંગઠને હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી. અલબત્ત, કોર્ટે હોપપુલને ઊતારવા માટે ટેન્ડર પ્રક્રિયા સામે મનાઈ હુકમ આપ્યો નહતો. એટલે, આ મામલો કોર્ટમાં હતો છતાં ગત જાન્યુઆરી મહિનામાં શાસકોએ સ્થાયી સમિતિમાં બ્રિજને ઊતારી પાડવા માટેનો નિર્ણય લઈ લીધો હતો. ફટાફટ બ્રિજ ઊતારી પાડવાનું કામ પણ શરૂ કરી દેવાયું હતું. એટલે, ફરી હાઈકોર્ટના દરવાજા ખખડાવાયા હતાં. તેમાં સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બુધવારે હોપપુલ બચાવવાની માગને ફગાવી દીધી હતી.
કોર્ટે ટેક્નિકલ રિપોર્ટને આધાર બનાવ્યો
પાલિકાના સિટી ઇજનેર જતીન શાહનું કહેવું હતું કે, કોર્ટે હોપપુલને બચાવવા માટેની અપીલની સામે પાલિકા અને સરકાર તરફથી રજૂ કરાયેલા ટેક્નિકલ ગ્રાઉન્ડને ધ્યાને લીધાં હતાં. હોપપુલના પિયર (પાયા) અને તેની બાજુમાં જ નહેરુ બ્રિજના પિયરની સ્થિતિ અંગ્રેજી અક્ષર ‘ઝેડ’ જેવી છે. તેના કારણે તાપીનદીના વહેણને માટે સામાન્ય કરતાં વધારે અવરોધ લાગે છે. એટલે, હોપપુલને યથાવત સ્થિતિમાં રાખી મૂકાય તો તેના પિયરને કારણે નદીમાં બ્રિજના ઉપરવાસના વિસ્તારમાં (એફ્લકસ)પાણીનું લેવલ એક મીટર જેટલું વધારે રહે તેમ છે. તેના કારણે ઘણા મોટા વિસ્તાર અને મોટી સંખ્યામાં લોકોને અસર થાય તેમ છે. આવા તારણ સાથેના એસવીએનઆઈટીના રિપોર્ટને કોર્ટે અવલોકનમાં લીધો હતો. તેને ધ્યાને રાખીને પીઆઈએલને ફગાવતો હુકમ કર્યો હતો.
હવે બ્રિજ ઊતારવાનું કામ તાબડતોબ આગળ વધારાશે! જોકે, બચાવ સમિતિ હજુ આશાવાદી છે
હોપપુલને ઉતારીને લઈ જવા માટે પાલિકાએ ત્રણ-ત્રણ વાર ઓફર મગાવી હતી. છેવટે અપસેટ વેલ્યુ ઘટાડી બે કરોડ મૂકીને ચોથા પ્રયાસમાં મગાવાયેલી ઓફરમાં પાલિકાને બે ઓફર મળી હતી. તેમાં ઓરિએન્ટ કન્સ્ટ્રકશન અને એમ. એચ. એમ કુરેશી નામની બે એજન્સીઓની ઓફર મળી હતી. જોકે, ઓરિએન્ટ કન્સ્ટ્રકશનને ટેન્ડરની સાથે ૨૨ લાખની ઈએમડીનો ડ્રાફ્ટ મૂક્યો નહતો. એટલે તેની ઓફરને ટેકનિકલ રીતે ડિસ્ક્વોલિફાઈ કરાઈ હતી. એટલે, બાકી રહેલી એકમાત્ર એમ. એચ. એમ. કુરેશીની રૂ.૨.૩૧ કરોડની ઓફરને સ્થાયી સમિતિમાં ગત મહિને ગ્રિન સિગ્નલ મળ્યું હતું. તાબડતોબ બ્રિજ ઉતારવાની શરૂઆત પણ કરી દેવાઈ હતી.
બચાવવાના પ્રયાસો હજુ ચાલુ રહેશે
ચુકાદાનો અભ્યાસ કરીને આગળની રણનીતિ નક્કી કરીશું. હોપપુલને બચાવવાના પ્રયાસો હજુ ચાલુ જ રહેશે . આઈ.એસ. બિન્દ્રા, પૂર્વ પોલીસ કમિ.