ઉચ્ચ અધિકારીઓ ખુદ પૂરની વિગતો મીડિયા પાસેથી મેળવી રહ્યા છે
સુરત શહેર પર ફરી પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ૪૦ લાખ શહેરીજનો પૂરની દહેશત હેઠળ છે. ત્યારે આવી કટોકટ પરિસ્થિતિમાં કલેક્ટર તંત્રની કામગીરી સાવ તિળયે પહોંચી ગઈ છે. પૂરની માહિતી આપવા માટે કોઇ જ જવાબદાર અધિકારી ન હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ તો એટલા એકલા-અટૂલા છે કે તેઓ જ પૂરની વિગતો મીડિયા પાસેથી મેળવી રહ્યા છે.
કલેક્ટર કચેરીમાં પૂરના ટાંકણે જડબેસલાક સિસ્ટમ ગોઠવવા માટે તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું ચિત્ર ઊપસ્યું છે. કલેક્ટર તંત્ર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની સંખ્યાબંધ મિટિંગો કરવામાં આવી પરંતુ તે મામલે સરકારી તંત્રોની સતર્કતાની કોઇ જ વિગતો ઘોષિત કરવામાં આવી નથી. દરમિયાન પૂર જેવા અસાધારણ સંજોગોમાં પૂર્વ કલેક્ટર દિલીપ રાવલ હોય કે પછી પંકજ જોશી, અગાઉના તમામ કલેક્ટરો દ્વારા ચોક્કસ ઉચ્ચ અધિકારીઓને પૂર અંતર્ગત તૈયારીનું બ્રીફિંગ આપવામાં આવતું હતું. દિલીપ રાવલ તો પોતે આવા કટોકટ સમયમાં પણ મીડિયા માટે અડધો કલાક ફાળવવાનું ચૂકતા ન હતા.
દરમિયાન વિતેલા ચાર દિવસમાં કલેક્ટર કચેરીના અન્ય ઉચ્ચ અધિકારીઓ જ પૂરની વાસ્તવિક પરિસ્થિતિથી અજ્ઞાત હોવાની વિગતો જાણવા મળી છે.
શહેરમાં અફવાનું પૂર, કલેક્ટરનું ભેદી મૌન
કલેક્ટર અશોક શાહ દ્વારા આવી કટોકટ પરિસ્થિતિમાં પણ મૂંગામંતર જેવું વલણ અપનાવાતાં શહેરમાં પૂરની અફવાએ ભારે જોર પકડ્યું છે. તમામે સાચી વિગતો મેળવવા માટે હવાતિયાં મારવાની નોબત આવી છે. દરમિયાન પૂર જેવા કટોકટીના સંજોગોમાં તંત્ર કે કલેક્ટર શું કરી રહ્યાં છે તેની કોઇ વિગત જાણવા મળી શકતી નથી. ટૂંકમાં શહેર વધુ એકવાર ભગવાન ભરોસે હોવાનું ચિત્ર ઊપસ્યું છે. કલેક્ટરે ચાર દિવસથી પૂરને લગતી માહિતી આપવાનું પણ મુનાસીબ માન્યું નથી.