વરાછા, બરોડાપ્રિસ્ટેજ ખાતે કાપડની દુકાન ધરાવનારા વેપારીના પુત્રે ભૂતપૂર્વ નોકરના નામે નાણાંની માગણી પણ કરી!
આખરે વરાછા પોલીસે આ કિશોરને હેમખેમ શોધી કાઢ્યો
વરાછા મેઇન રોડ પર બરોડા પ્રિસ્ટેજ ખાતે કાપડની દુકાન ધરાવતા એક વેપારીના ૧૪ વર્ષીય પુત્રએ પોતાનું અપહરણ થયાનું નાટક કરી વરાછા પોલીસને સતત બે કલાક દોડાવી હતી. આખરે બુધવારે રાત્રે દસ વાગ્યે જ્યારે વરાછા પોલીસે આ કિશોરને રેલવે સ્ટેશન પાસેથી હેમખેમ શોધી કાઢ્યો ત્યારેસૌના શ્વાસ હેઠા બેઠા હતા.
બરોડા પ્રિસ્ટેજ ખાતે રહેતા અને ત્યાં જ ડ્રેસ મટિરિયલ્સની દુકાન ધરાવતા રામચરણભાઈ અગ્રવાલે બુધવારે રાત્રે આઠ વાગ્યે વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો અને એવી વાત કરી હતી કે તેના ૧૪ વર્ષના પુત્ર સુભાષનું કોઇએ અપહરણ કર્યું છે અને મુક્તિના બદલામાં નાણાંની માગણી કરે છે. આ વાત સાંભળી થોડી ક્ષણ માટે તો વરાછાના પોઈ આર.એસ. પટેલના શ્વાસ પણ થંભી ગયા હતા. આખરે નાયબ પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રીના માર્ગદર્શન તળે વરાછા પોલીસની ટીમ કામે લાગી હતી. બે કલાકની મહેનતના અંતે સુભાષ રેલવે સ્ટેશન પાસેથી મળી ગયો હતો.
પોઈ પટેલે કહ્યું હતું કે સુભાષને વાઈની બીમારી હોવાના કારણે તેને આઠમા ધોરણ સુધી ભણાવ્યા બાદ અભ્યાસ છોડાવી દીધો હતો અને તેને ઘરની બહાર નીકળવા દેતા ન હતા. બુધવારે બપોરે ૨.૩૦ વાગ્યે તે ઘરની બહાર નીકળ્યો હતો. ત્યાર બાદ તે ૫.૦૦ વાગ્યે પરત ઘરે આવી ગયો હતો. થોડો સમય ઘરમાં રોકાયા બાદ તે પુન: ઘરની બહાર નીકળી ગયો હતો. રાત્રે ૮.૦૦ વાગ્યે રામચરણભાઈના મોબાઇલ પર ફોન આવ્યો હતો. જેમાં સામે છેડેથી હિન્દીમાં વાત કરી હતી અને પોતે વિષ્ણુ બોલે છે એમ કહ્યું હતું. વિષ્ણુ પહેલાં રામચરણભાઈ અગ્રવાલની દુકાનમાં નોકર હતો. જેણે સુભાષની મુક્તિના બદલામાં નાણાં માગ્યાં હતાં પણ રકમ કહી ન હતી.
આ રીતે ફોન આવતાં પોલીસને પહેલી નજરે જ એવી શંકા ગઈ હતી કે અપહરણનું નાટક છે. આ ફોન લાભેશ્વર વિસ્તારના એક કોઇન બોક્સ પરથી આવ્યો હતો. પરિણામે પોલીસની એક ટીમે ત્યાં જઈને તપાસ કરી હતી. આજુબાજુમાં તપાસ કરતાં કરતાં પોલીસની ટીમ રેલવે સ્ટેશન પાસે પહોંચી તો સુભાષ ત્યાંથી રાત્રે ૧૦.૦૦ વાગ્યે મળી ગયો હતો.