મહુવા તાલુકાના સાંબા ગામે બ્રહ્નદેવ મંદિર નજીક અંબિકા નદી પર ૧૧.૯૮ લાખના ખર્ચે તૈયાર થનારા ચેકડેમનું વન અને પર્યાવરણ, આદિજાતિ વિકાસ મંત્રી મંગુભાઈ પટેલના હસ્તે ૧૦મી એપ્રિલના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મંત્રી મંગુભાઈ પટેલે જણાવ્યું કે, સાંબા ગામની આ જગ્યા એક ધાર્મિક સ્થળ છે. આ સ્થળે ઘણા સમય પહેલાં જ ચેકડેમ કમ કોઝવે બની જવું જોઇતો હતો. વન કાયદામાં સુધારો કરી સામાજિક કામો માટે એક હેકટર જમીન આપવાની મંજુરી આપી દેવામાં આવી છે. જેના ભાગરૂપે આપણે આ ચેકડેમનું ખાતમુહૂર્ત કરી શક્યા છીએ. ૭૫ મીટર લાંબા અને ૧.૫૦ મીટર ચાઇ વાળા ચેકડેમને કારણે સાંબાગામના આદિવાસી ખેડૂતોની ૧૦થી ૧૫ હેકટર જમીનને સિંચાઈનો લાભ થશે. આ ઉપરાંત ચેકડેમની ઉપરવાસમાં આવેલા કૂવાઓમાં પાણીનાં સ્તર ઊંચાં આવશે. સાથે જંગલ વિસ્તારનાં વૃક્ષોનો વિકાસ થશે.
મંત્રીએ આ તકે મુખ્યમંત્રીના લોક કલ્યાણ માટેના વિચારો રજૂ કરતાં કહ્યું કે આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ૧૮ કલાક સતત લોકો માટે કામ કરે છે. તેઓ પોતે જ કામ કરતા હોય તેવું નથી, પરંતુ તેમના મંત્રીમંડળ અને અધિકારીઓને પણ સતત કામ કરવા માટે જણાવે છે. તેમનું માનવું છે કે, પ્રજાએ આપણને લોકોનાં કામ કરવા અહીં બેસાડ્યા છે. તેથી દરેક મંત્રીની ફરજ છે કે રાત-દિવસ જોયા વગર માત્ર લોકોનાં કામોમાં જ રચ્યાપચ્યા રહે.
ચેકડેમ માટે મહત્વની ભૂમિકા અદા કરનાર રાજ્યસભાના સાંસદ કાનજીભાઈ પટેલે જણાવ્યું કે, ચેકડેમની સાથે કોઝવે બની જવાથી બ્રહ્નદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓને હવે ઘણી રાહત થઇ જશે. રસ્તો બની જવાથી લોકો સરળતાથી મંદિર સુધી પહોંચી શકશે. આ ઉપરાંત આ જગ્યા ટૂરિસ્ટ પ્લેસ તરીકે વિકાસ પામશે, જેથી આસપાસના લોકોના વિકાસ પણ વધુ ઝડપથી થશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સહકાર સંઘના ચેરમેન માનસિંહભાઈ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગુલાબભાઈ ગરાસિયા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ચૌધરી , જિલ્લા વિકાસ અધિકારી જે.બી.વોરા, પ્રાયોજના વહીવટદાર, માંડવી ડી.પી. દેસાઈ, નાયબ વન સંરક્ષક બી.જી. પ્રજાપતિ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો, બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં.