નક્સલવાદી પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા મેદાને પડેલી સુરત રેન્જ
પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ કાર્યવાહી ખરેખર સાચી છે કે ખોટી તે ચકાસવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રીએ પોતાની ખાસ ટીમ મારફતે તપાસ કરાવી હતી, જેમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને કલીનચીટ મળી હોવાનું જાણવા મળ્યું છે.
નક્સલવાદને લગતું કેટલુંક સાહિત્ય પોલીસના હાથમાં આવતાં ગઈ તા. ૨૫-૨-‘૧૦ના રોજ કામરેજ પોલીસ મથકમાં સરકાર તરફે આર.આર. સેલના પોસઈ નિકમે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો હતો, જેની તપાસ માટે રેન્જ આઇજીપી એ.કે. સિંઘે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. આ ટીમના તપાસનીશ અધિકારી તરીકે વ્યારાના ડીવાયએસપી કે.એમ. પોલરાની નિમણુંક કરાઈ હતી. આ ટીમે અત્યાર સુધીમાં એક મહિલા સહિત ૧૮ નક્સલીની ધરપકડ કરી છે.
હજુ પાંચેક નક્સલીઓ પકડવાના બાકી છે. બીજી બાજુ પોલીસની આવી હરક્તના કારણે કેટલીક સંસ્થાઓએ પોલીસની આ કામગીરી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ગુજરાતની ત્રણ સંસ્થાએ માનવ અધિકાર પંચમાં પણ આ મુદ્દે રજુઆત કરી હતી. જોકે, એ સામે પોલીસે જે પૂરતા પુરાવા રજુ કર્યા તેના કારણે માનવ અધિકાર પંચે પોલીસની તપાસને ક્લીનચીટ આપી હતી.
તો કેટલીક સંસ્થાએ વડાપ્રધાન તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી સમક્ષ પણ આ મુદ્દે રજુઆત કરી હતી, જેના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ મંત્રીએ કેન્દ્ર કક્ષાના અધિકારીઓની એક ખાસ ટીમની રચના કરી સુરત રેન્જની પોલીસે અત્યાર સુધી જે તપાસ કરી છે તે યોગ્ય છે કે કેમ એ તપાસવાનું કામ સોંપ્યું હતું. આ ટીમે સુરત રેન્જ પોલીસે રજુ કરેલા પૂરતા અને થોકબંધ પુરાવા ગ્રાહ્ય રાખી સુરત રેન્જ પોલીસની તપાસ સાચી અને તટસ્થ હોવાનો અભિપ્રાય આપ્યો હતો.