શહેરની તાપી બ્રહ્મચાર્યાશ્રમ એન્જિનિયરિંગ કોલેજના જમીની દસ્તાવેજમાં ગડબડ થઈ હોવાની શંકા સાથે સીબીઆઇના અધિકારીઓએ ગુરુવારે કોલેજમાં તપાસ હાથ ધરી હતી. દિવસભર ચાલેલી તપાસના અંતે સીબીઆઇના અધિકારીઓ કેટલાક જરૂરી દસ્તાવેજો ક્રોસ વેરિફિકેશન માટે સાથે લઇ ગયા હતા.
તાપી બ્રહ્મચાર્યાશ્રમ એન્જિનિયરિંગ કોલેજની ઓફિસમાં સવારથી સીબીઆઇની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ એન્જિનિયરિંગ કોલેજ શરૂ થઇ ત્યારે તેના સંચાલકો દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અંગેની તપાસ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી હતી તેમજ મોડી સાંજે કોલેજની ઓફિસમાંથી મળેલી વિગતો અને દસ્તાવેજો પોતાની સાથે લઇ સીબીઆઇના અધિકારીઓની ટીમ અમદાવાદ તરફ જવા રવાના થઇ હતી. આ તપાસથી શહેરના ઉચ્ચ શિક્ષણ જગતમાં ચકચાર ફેલાઈ ગઈ હતી.
ઓફિસને સીલ મારી દેવાયું
સુત્રોના જણાવ્યા અનુસાર કોલેજના દસ્તાવેજોમાં ગડબડને ધ્યાને લઈ સીબીઆઇની ટીમે ઓફિસ સીલ મારી દીધું હતું. ઉપરાંત તેઓ ટ્રસ્ટીઓના ઘરે પણ તપાસ માટે ગયા હતા, પરંતુ કોઈ ટ્રસ્ટીઓ મળ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની તપાસ ગુજરાત સહિત દેશની ઘણી એન્જિનિયરિંગ કોલેજોમાં અગાઉ કરાઈ છે.
રૂટિન તપાસ હતી
તાપી બ્રહ્મચાર્યાશ્રમ એન્જિનિયિંરગ કોલેજની જ્યારે માન્યતા લેવામાં આવી હતી ત્યાર બાદ તેની સામે જે તે સમયે થયેલી રજૂઆતો અંગેની તપાસ માટે સીબીઆઇના અધિકારીઓ આવ્યા હતા. ઉચ્ચ શિક્ષણ આપતી દરેક સંસ્થાઓ સામે થયેલી રજૂઆતો અંગે આ પ્રકારની રૂટીન તપાસ આવતી હોય છે. અધિકારીઓ તેમને આવશ્યક એવા દસ્તાવેજો તપાસ માટે લઇ ગયા છે.- હેમંત ટોપીવાલા, કોલેજ સેક્રેટરી