બારડોલી તાલુકાના તેનગૌચર ગામે રહેતા એક યુવાન ખેડૂતનું બુધવારે લેપ્ટોસ્પાઇરોસિસને કારણે નવી સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ વર્ષે લેપ્ટો.ના કારણે દક્ષિણ ગુજરાતમાં ૪૨ ખેતમજૂરોનાં મોત નીપજ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર ૨૫ વર્ષીય સંજયભાઈ બુધિયાભાઈ ચૌધરીની તબિયત લથડતાં તેમને મંગળવારે લેપ્ટોસ્પાઇરોસિસની સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયા હતા.જ્યાં બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે લેપ્ટો.એ દક્ષિણ ગુજરાતમાં ચાલુ વર્ષે ૪૨ લોકોનો ભોગ લીધો છે. દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાઇરોસિસના બીકે ઘણા ખેતમજૂરો ખેતરોમાં કામ કરવાથી ડરી રહ્યા છે, તો કેટલાકને પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખેતમજૂરી કર્યા સિવાય છુટકો નથી.