માણેકપોરમાં વરસાદથી ઘર તૂટી પડ્યું
- ૭૫ વર્ષીય શ્રમજીવી મહિલાનું ચોમાસામાં ઘર તૂટી પડતાં દયાજનક સ્થિતિ
વ્યારા તાલુકાના માણેકપોર ગામે આજરોજ વરસાદને કારણે હળપતિવાસમાં રહેતી એક વૃદ્ધાના ઘરનો એક ભાગ ધરાશાયી થયો હતો. જોકે, ઘર તૂટી પડવાના સમયે વૃદ્ધ બહાર હોય જેને લઈ વૃદ્ધાનો બચાવ થયો હતો. જોકે, ચોમાસા દરમિયાન નિ:સહાય વૃદ્ધાની હાલત કપરી બની ગઈ છે.
બારડોલીના માણેકપોર ગામે તળાવ ફળિયામાં રહેતી અને ખેતીકામ કરી જીવન ગુજરાન ચલાવતી કાંતાબહેન નાનુભાઈ રાઠોડ (૭૫) આજરોજ કામકાજ અર્થે ખેતીકામ કરવા ગઈ હતી તે દરમિયાન વરસાદ પડવાના કારણે તેના ઘરનો એક ભાગ તૂટી જતાં દોડધામ મચી ગઈ હતી.
જોકે, સદ્દનસીબે આ વૃદ્ધા ઘરમાં ન હોવાના કારણે બચી જવા પામી હતી. ઘરની દિવાલ તૂટી પડતાં ઘરનું રાચરચીલું પણ નુકસાન પામતાં નિરાધાર વૃદ્ધાની હાલત અત્યંત દયાજનક બની જવા પામી હતી. માણેકપોર ગ્રામ પંચાયતના સત્તાધીશો તાકીદે આ વૃદ્ધાના નુકસાનીનો આંક મેળવી જરૂરી સહાય કરે એ જરૂરી બન્યું છે.





