પ્લાનિંગ કમિશને રિપોર્ટ સબમિટ ન કરતાં ઉદ્યોગમાં ચિંતા
બે મહિનાથી અટકાવાયેલી ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ (ટફ) યોજના પુન:કાર્યાન્વિત ન થતાં ટેક્સટાઇલ ઉદ્યોગના આધુનિકરણ પર બ્રેક લાગી ગઈ છે.
જાણકાર વર્તુળો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ગત તા. ૩૦મી જુનના રોજ જાહેરનામું બહાર પાડીને હાલ પૂરતી ટેક્સટાઇલ અપગ્રેડેશન ફંડ (ટફ) યોજના સ્થગિત કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ વધુ એક જાહેરનામું બહાર પાડીને ટફ યોજના હેઠળ નવી અરજીઓ ન સ્વીકારવા જણાવ્યું હતું.
પ્લાનિંગ કમિશન દ્વારા ટફ યોજનાની નવી રૂપ રેખા નક્કી કરીને ૩૧મી ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ સબમિટ કરાશે એવી આશા રાખીને ઉદ્યોગકારો બેઠા હતા. ઓગસ્ટ માસ પૂર્ણ થયો હોવા છતાં પણ ટફ અંગેનો પ્લાનિંગ કમિશનનો રિપોર્ટ સબમિટ ન થયો હોવાને કારણે હાલના તબક્કે આખી યોજના જ અધ્ધરતાલ થઈ ગઈ છે.
ટફ યોજના બંધ હોવાને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગના આધુનિકીકરણ ઉપર બ્રેક લાગી ગઈ છે. ખાસ કરીને સુરત શહેર અને જિલ્લા સહિત સમગ્ર દેશમાં પાવરલૂમ્સ અને એમ્બ્રોઇડરીના ક્ષેત્રમાં નવાં રોકાણો આવતાં બંધ થયાં છે અને તેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ રૂંધાઈ રહ્યો છે.
આ ઉપરાંત જે ઉદ્યોગકારો દ્વારા પોતાના યુનિટોનું એક્સપાન્સનનું પ્લાનિંગ કર્યું હતું તેમને પણ હાલના તબક્કે તેમના પ્લાન અટકાવવાની ફરજ પડી છે. પ્લાનિંગ કમિશન દ્વારા પોતાનો રિપોર્ટ ક્યારે સબમિટ કરવામાં આવે છે, તેના પર ટેક્સટાઇલ ઉદ્યોગકારોની નજર છે.
ટફ યોજના બંધ થતાં ટેક્સટાઇલ ઉદ્યોગના આધુનિકીકરણ પર બ્રેક લાગી ગઈ છે. ઉદ્યોગકારો નવાં રોકાણો કરીને બેઠા છે તેમને વ્યાજખાધ સહિત અનેક રીતે નુકસાનીનો સામનો કરવાનો વખત આવ્યો છે. અરુણ જરીવાળા, ફિઆસ્વી ચેરમેન