સવારે બે કલાક ગેસ અપાયા બાદ સાંજે છ વાગ્યાથી નિયમિત સપ્લાય અપાયો
રાંદેર રોડ પાલનપુર પાટિયા પાસે આવેલી કસ્તુરબા સોસાયટી પાસે ગેસ લીકેજની ફરિયાદ મળતાં રવિવારે રાતથી ગેસ પુરવઠો ખોરવાયો હતો. સોમવારે સવારે બે કલાક ગેસ અપાયા બાદ ફરી વખત રિપેરિંગ કામ હાથ ધરાયું હતું અને સાંજે છ વાગ્યાથી ગેસ પુરવઠો નિયમિત થયો હતો.
રવિવારે રાત્રીના સુમારે કોઈ ગ્રાહક દ્વારા ગેસ લીકેજની ફરિયાદ કરવામાં આવતાં ગેસ કંપનીના ઇમરજન્સી સ્ટાફ દ્વારા પાલનપુર પાટિયા કસ્તુરબા સોસાયટી પાસે યુદ્ધના ધોરણે લીકેજ શોધીને તેને દુરસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાત્રીથી સવારે ૭.૦૦ વાગ્યા સુધી કસ્તુરબા સોસાયટી સહિતના ગુજરાત હાઉસિંગ બોર્ડ વગેરે વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાયો હતો.
સવારે ૭.૦૦ વાગ્યાથી ૯.૦૦ વાગ્યા સુધી લાઇન ડાયવર્ટ કરીને આ વિસ્તારમાં ગેસ પુરવઠો અપાયો હતો. બાદમાં ફરી વખત લાઇન રિપેર કરવાની આવશ્યકતા હોવાથી ગેસ પુરવઠો કાપી લેવામાં આવ્યો હતો. સાંજે છ વાગ્યાના સુમારે કસ્તુરબા સોસાયટી પાસેનું લીકેજ રિપેર થઈ જતાં ફરી વખત ગેસ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો.
કંપનીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકોને જેમ બને તેમ ઝડપથી ગેસ પુરવઠો મળે તે માટે કંપની દ્વારા તાકીદના ધોરણે કાર્યવાહી કરીને ગેસ પુરવઠો નિયમિત કરવામાં આવ્યો છે.