નગરમાં માર્ગો પર રાત્રિ અને સવારે રસ્તા પર રખડતાં ઢોર આશ્રય સ્થાન જમાવતાં ટ્રાફિક માટે અવરોધ
બારડોલી નગરમાં રખડતા ઢોરની સમસ્યા વર્ષો પછી પણ અકબંધ છે. અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે ગંભીર પ્રશ્નો ધ્યાન આપવામાં આવ્યું નથી. ભાજપના શાસનને પાંચ વર્ષ પૂર્ણ થવાના આરે છે. માજી પ્રમુખ અને વર્તમાન પ્રમુખ શાસનકાળ દરમિયાન ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યાં છે. ટૂંક સમયમાં ફરી ચૂંટણી આવી રહી છે. ત્યારે નગરમાં રખડતા ઢોરને અટકાવવાનો પ્રશ્ન ફરી એકવાર અદ્ધરતાલ બની રહેશે?
બારડોલી નગર વિકાસના કાજે અગ્રીમતા ધરાવે છે. જેમાં જેતે સમયના શાસકોનું પણ મહત્વનું યોગદાન છે, પંરતુ નગરમાં રખડતા ઢોરને અટકાવવામાં પાલિકાના પદાધિકારીઓ નિષ્ફળ રહ્યાં છે. જેનું કારણ સંકલનનો અભાવ છે. પાલિકાના શાસકોના અગાઉ અઢી વર્ષની ટર્મના માજી પ્રમુખ મનોજભાઈ પટેલે રખડતાં ઢોરને અટકાવવાની પહેલ કરી હતી, પરંતુ નિષ્ફળ સાબિત થયા હતાં ત્યારે તાલુકાના પ્રમુખ શાંતિલાલ પટેલ આ પ્રશ્ને મૌન જ રહ્યાં છે.
આજે રખડતાં ઢોર નગરના મુખ્ય માર્ગો, સોસાયટીના આંતરિક માર્ગો પરથી અવર જવર કરે છે. ત્યારે ઘણી બાબતે નગર કે ગૌચર જેવા ઉદ્દગાર નીકળી જાય છે. વહેલી સવારે અને રાત્રે ગૌરવપથ, ગાંધીરોડ, શાસ્ત્રીરોડ પર રખડતા ઢોર રસ્તામાં જ વિશ્રામો કરતાં વાહનચાલકોને અગવડતા થાય છે. અમૂક ગોપાલકો પોતના ઢોર અંગે નિષ્ક્રિયતા દાખવતા હોવાથી આ પ્રશ્ન ઉદ્દભવે છે.
રખડતાં ઢોરને પૂરવાની ટ્રોલી કાટ ખાઈ છે
બારડોલી નગરપલિકાને રખડતાઢોરને પકડવા માટે રાજ્ય સરકારે ટ્રોલીની ફાળવણી કરી છે, પરંતુ અધિકારી અને પદાધિકારીઓના સંકલનના અભાવે માત્ર શોભાના ગાંઠિયા સમાન જ બની રહી છે. જેની તકેદારી રાખવામાં પણ પાલિકા નિષ્ફળ રહેતા ખુલ્લામાં કાટ ખાઈ રહી છે.