નવરાત્રિને બસ, હવે માત્ર સાત દિવસની વાર છે, ત્યારે યુવતીઓ ઘરેણાંની ખરીદી કરવા માટે ઊપડી ગઇ છે. શહેરના દરેક જગ્યાએ નવરાત્રિના ડ્રેસિસ અને ઘરેણાંના નાના- મોટા સ્ટોલ ખુલી ગયા છે. જાહેરમાર્ગો પર પણ જાણે ખરીદીની ભીડ ઊમટી છે. નવરાત્રિને લઇને વિવિધ પ્રકારના નેકલેસ એટલે કે હારની અનેક ડિઝાઈન માર્કેટમાં આવી ગઇ છે.
જોકે, નવરાત્રિની જવેલરીમાં વર્ષોથી કોઈ મોટો ફરક નથી આવ્યો પરંતુ આ વખતે અનારકલી, જોધા-અકબર, બાંધણી હાર જેવાં ભારેભરખમ ઓકસોડાઇઝના હાર તરફ ખરીદીનો ઝોક વધ્યો છે.આ હાર ખાસ પ્રકારના સ્ટોન, મોતી,મીણા અને કાચથી મઢેલા જોવા મળે છે. હારમાં મીઠો અવાજ આવ્યા કરે તે માટે ડિઝાઈનરો તેમાં ઘૂઘરી પણ લગાવતા હોય છે. નવરાત્રિ પૂર્વેની તૈયારી માટે શહેરનાં બે મોટા માર્કેટ હાઉસફૂલ થઇ ગયાં છે. વરાછાનું બરોડા પ્રિસ્ટેજ અને ચૌટાપુલ કે જ્યાં ટ્રેડશિનલ જવેલરીની ડિઝાઈન વધુ પ્રમાણમાં જોવા મળે છે ત્યાં યુવતીઓની હકડેઠઠ ભીડ જામવા લાગી છે.
ઝૂલા-કંદોરા ડિમાન્ડમાં
હારની સાથે આ વખતે કંદોરાના માર્કેટમાં પણ ભારે ઉછાળો છે. કંદોરામાં સાંકળનો કંદોરો, કેરીનો કંદોરો, ઝૂમખા-કંદોરા માર્કેટમાં આવી ચૂક્યા છે. કંદોરામાં ઝૂલા-કંદોરાની ડિમાન્ડ ખૂબ જ વધારે છે. કોલેજિયન યુવતી સાદા ચણિયાચોળીની ઉપર ડાયમંડના કંદોરા પણ ખરીદી કરી રહી છે.
આ અંગે જીનલ જોશી કહે છે, ‘મન મૂકીને નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છીએ. આ વર્ષે માર્કેટમાં ઘણા પ્રકારનાં સારાં ડિઝાઈનર ઘરેણાં આવ્યાં છે, તેથી ચોઇસ ઘણી સારી મળી રહી છે. જોકે, ટૂંકા ચણિયાચોળીની નીચે પહેરવા માટે અમે રંગબેરંગી ઝાંઝર પણ ખરીદી રહ્યાં છીએ.
સફેદ બલોયાં હવે રંગીન
હાલ માર્કેટમાં બન્જારા જે પ્રકારનાં કડાં પહેરતાં હોય છે તેવાં પ્રકારનાં બલૈયામાં આ વખતે વેરાયટીઝ આવી છે, જે બલોયાં પહેલાં સાદાં મળતાં હતાં તેમાં આ વર્ષે બારીક ડિઝાઈન કરીને રંગબેરંગી કલરવાળી ડિઝાઈન આવી છે. આ પ્રકારનાં બલોયાં વજનમાં હલકાં હોવાથી તેને પહેરવાની મજા પણ કંઇક ઓર હોય છે.