અઠવા લાઇન્સસ્થિત કોર્ટ પરિસર સામે જ રિયલ એસ્ટેટ ડેવલપર અમિત કપાસિયાવાલાની હત્યા જેના કારણે થઈ તે જમીનમાં પચાવી પાડવામાં જે ઠગાઈ આચરવામાં આવી હતી. આ ઠગાઇમાં ક્રાઇમ બ્રાંચે અઠવાના સબ રજિસ્ટ્રાર સી.ટી. પટેલ સામે પણ ગુનો નોંધ્યો હતો. સી.ટી. પટેલે પોતાની ધરપકડ ટાળવા કોર્ટમાં અરજી કરતા ક્રાઇમ બ્રાંચે પણ એક એફિડેવિટ કરી છે, જેમાં સી.ટી. પટેલે કરેલી ગેરરીતિના પુરાવા પોલીસ પાસે હોવાનું જણાવાયું છે.
કપાસિયાવાલા પરિવારની ગવિયર ખાતે આવેલી કરોડો રૂપિયાની બે જમીનો પચાવી પાડવા માટે જે કારસો રચી દસ્તાવેજ બનાવવામાં આવ્યા હતા, તે બોગસ દસ્તાવેજની ઓરિજિનલ કોપી ક્રાઇમ બ્રાંચે કબજે લીધી છે. આ બોગસ દસ્તાવેજની તપાસ કરતા સબ રજિસ્ટ્રારનું મેળાપીપણું ઉઘાડું પડી ગયું હતું.
આટલું જ નહીં ક્રાઇમ બ્રાંચની તપાસમાં એ હકીકત પણ બહાર આવી છે કે સબ રજિસ્ટ્રાર સી.ટી. પટેલે નાણાં લઈને આ કૃત્ય કર્યું હતું, જે અંગેના પુરાવા પણ ક્રાઇમ બ્રાંચે એકત્રિત કર્યા છે. આ બધી હકીકત સહિતના કેટલાક મુદ્દાઓને આવરતી લેતી એક એફિડેવિટ ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં કરી છે. આ અંગે વધુમાં જાણવા મળ્યું છે કે સી.ટી. પટેલ પોતાની ધરપકડ ટાળવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ ક્રાઇમ બ્રાંચે કોર્ટમાં કરેલી આ એફિડેવિટથી હવે તેમની ધરપકડ ટૂંક સમયમાં થવાની શક્યા છે.