-ભરૂચ નજીક બે જૈન મુનિઓના અકસ્માતમાં મોતની ઘટનાનો ભેદ ઉકેલતી પોલીસ
ભરૂચ નજીક અસુરિયા ગામ પાસે અકસ્માતમાં કાળધર્મ પામનારા બે જૈન મુનિઓને ટેમ્પાએ ટકકર મારી હોવાનો ભેદ ખુલતાં જિલ્લા પોલીસે ટેમ્પાચાલકની ધરપકડ કરી છે. બનાવના માત્ર એક સપ્તાહમાં જ જિલ્લા પોલીસે ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને સમગ્ર ઘટના અકસ્માતનો જ બનાવ હતો, કોઇ ઇરાદાપૂર્વકનું કૃત્ય નહિ હોવાનું ટેમ્પોચાલકની કબુલાત ઉપરથી જણાઇ આવ્યું હોવાનું પોલીસ સત્તાધીશોએ જણાવ્યું હતું.
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર ૮ ઉપર નવા વર્ષની સવારે ભરૂચના ઉપાશ્રય ખાતેથી પાલિતાણા તરફ વિહાર કરી રહેલાં હસ્તગિરિ વિજયજી મહારાજ અને જ્ઞાનશેખર વિજયજી મહારાજને અસુરિયા ગામ નજીક અજાણ્યા વાહને ટકકર મારતાં તેઓ કાળધર્મ પામ્યાં હતાં.
વિશા શ્રીમાળી ઘોઘારી જૈન સમાજ સાથે સંકળાયેલાં અને વર્ષો અગાઉ દિક્ષા લેનાર મુળ સાવરકુંડલાના પીયાવા ગામના જ્ઞાનશેખરજી મહારાજ, ચેન્નાઇના હસ્તગિરિજી મહારાજ અને પ્રેમસુંદર વિજયજી મહારાજ, દક્ષિણ ગુજરાતના બિલિમોરાના મુળ રહેવાસી પારિજાત વિજયજી મહારાજ સુરતથી પાલિતાણા વિહાર માટે નીકળ્યાં હતાં. ગઇ તારીખ ૩૧મી ડિસેમ્બરે તેઓ ભરૂચ આવી પહોંચતાં ઝાડેશ્વર રોડ પરના ઉપાશ્રય ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને પહેલી તારીખે સવારે ચારેય જૈન મુનિઓએ વિહાર આગળ ધપાવ્યો હતો અને અસુરિયા ગામ નજીક પહોંચ્યાં ત્યાં સવારે ૭.૨૫ કલાકે પાછળથી આવતાં અજાણ્યાં વાહને અડફેટમાં લેતાં હસ્તગિરિજી મહારાજ અને જ્ઞાનશેખરજી મહારાજ સ્થળ પર જ કાળધર્મ પામ્યાં હતાં. કાળધર્મ પામનારા બંને મુનિ ગચ્છાધપિતિ આચાર્ય જયઘોષ ગિરિજીના શિષ્ય હતાં.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ ડી.ડી.સોઢાએ જિલ્લા પોલીસવડા ગૌતમ પરમાર તેમજ સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી આર.જે.સવાણીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. કરજણ ટોલ પ્લાઝા ખાતે મુકવામાં આવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે પોલીસે ૧૮ જેટલાં વાહનો આઇડેન્ટીફાઇ કર્યા હતાં. તમામ વાહનોના ચાલકો તેમજ માલિકોની ઘનિષ્ઠ પૂછપરછ તેમજ તેમનાં મોબાઇલ ફોનના લોકેશનો પણ ચકાસવામાં આવ્યાં હતાં. જેમાં ખેડા આરટીઓનું રજીસ્ટ્રેશન જીજે-૦૭ વાય- ૩૭૭ નંબરના તેમજ ભુરા રંગના ટાટા ૭૦૯ ટેમ્પોના ચાલકે બંને જૈન મુનિને ટકકર મારી બંનેના મૃત્યુ નીપજાવ્યાં હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે કામરેજ નજીક આવેલાં નવી પારડી ગામના ટેમ્પાચાલક અશ્વિન નાયકાની પૂછપરછ કરતાં તેણે અકસ્માતના બનાવની કબુલાત કરી લેતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.