અ-૧ ગ્રેડમાં જિલ્લાની શેઠ આર.જે.જે. શાળાના બે વિદ્યાર્થીઓ ઝળક્યા, વાપીનું ૬૪.૦૫ ટકા પરિણામ
વલસાડની ધ્વનિ ખત્રી ૯૯.૯૧ ટકા સાથે જિલ્લામાં પ્રથમ આવી
ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરૂવારે જાહેર થયેલા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં વલસાડ જિલ્લાનું ૬૫.૮૧ ટકા રહ્યું હતું. કેન્દ્રની દ્રષ્ટિએ વલસાડ ૫૭.૬૨ ટકા, વાપી ૬૪.૦૫ ટકા, પારડી કેન્દ્રનું ૮૬.૯૦ ટકા રઝિલ્ટ નોંધાયું હતું. એકંદરે પરિણામ ઓછું આવતા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી.
બોર્ડ દ્વારા ગુરૂવારે પરિણામ જાહેર કરાનાર હોવાથી ઉત્સુક બનેલા વિદ્યાર્થીઓ વલસાડ, વાપી, પારડી, દમણ, સેલવાસ સહિત વિસ્તારના સાયબર કાફેમાં પહોંચી ગયા હતા. શહેરની શાળાઓમાં બપોરના ૧ થી ૨ વાગ્યા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ક શીટ આપવામાં આવી હતી. નવી ગ્રેડ સિસ્ટમ ચાલુ વર્ષથી અમલી બનાવાતા જિલ્લામાં અ૧ ગ્રેડમાં શહેરના તબીબી દંપતિની પુત્રી ધ્વની વિજયભાઇ ખત્રીએ ૯૯.૯૧ પર્સેન્ટાઇલ રેન્ક સાથે પ્રથમ નંબર અને અર્પણ કાંતિલાલ પટેલે ૯૯.૩૩ પર્સેન્ટાઇલ રેન્ક સાથે જિલ્લામાં બીજો ક્રમ મેળવ્યો હતો.
વાપી કેન્દ્રનું ૬૪.૦૫ ટકા પરિણામ જાહેર થયું હતું. સૌથી વધુ પરિણામ ઉપાસના શાળાનું ૯૮.૧૧ ટકા આવ્યું હતું. વાપી કેન્દ્રમાં પ્રથમક્રમે સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમીની ડિમ્પી મોદીએ ૯૦.૮૫ ટકા પ્રાપ્તકર્યા હતા. તમામ શાળા કક્ષાએ ૧થી ૩ નંબર પ્રાપ્તકરનાર વિદ્યાર્થીઓને શાળા પરિવારે મો મીઠુ કરી અભિનંદન પાઠવ્યા હતા.
ટોપર્સની ભાવિ માટે ટોપ વ્યૂહરચનાઓ...
ધો.૧૦માં માત્ર બે જ માર્ક માટે ટોપટેનની યાદીમાં સ્થાન મેળવી ચૂકયો ન હતો, તેનો રંજ સતત રહ્યો હતો. છતાં નિરાશ થયા વિના સખત મહેનત કરી તેનું ફળ મળ્યું છે. ડોક્ટર બની લોકોની સેવા કરવાની અભિલાષા છે. ’’ અર્પણ કાંતિલાલ પટેલ, જિલ્લામાં બીજા ક્રમે એ-ગ્રેડ મેળવનાર, વલસાડ.
બોર્ડની પરીક્ષામાં સિદ્ધી મેળવ્યા બાદ હવે મેડિસિન ફિલ્ડ પસંદ કરી ડોક્ટર બનવાની ખેવના છે. માઈન્ડ ફ્રેશ કરવા માટે ‘સસુરાલ ગેંદા ફૂલ’ સિરીયલ પરીક્ષામાં નહિાળતી હતી.’’ ઈશા મુકેશ નાયક, કોન્વેન્ટ હાઈસ્કૂલ, વલસાડ.
દરજી કામ કરતા મારા પિતા ગજાનંદભાઈની સખત મહેનતને જવાબદાર છે. માતા પિતા ઝાઝુ ભણ્યા ન હતા, પરંતુ તેઓએ મને ઈંગ્લશિ મિડીયમમાં ભણાવવા કોઈ કચાશ રાખી ન હતી. મિકેનિકલ એન્જિનિયર બની માતાપિતાના સ્વપ્ન પૂરા કરવા છે. ’’ દિવ્યેશ ગજાનંદ પ્રજાપતિ, આવાબાઈ હાઈસ્કૂલ, વલસાડ.
મારી સફળતાનો શ્રેય માતા-પિતા અને શાળા પરિવારને આપું છું. પરીક્ષા દરમિયાન ૧૫ કલાક સુધી વાંચન કરતી હતી, જેના કારણે આ પરિણામ હાંસલ થયું છે. ખૂબ ભણી માતા-પિતાનું નામ રોશન કરવું છે.’’ ડિમ્પી મોદી, સારસ્વત હાઈસ્કૂલ, રાતા-વાપી.
શેઠ આરજેજે શાળાનો બોર્ડમાં ઉજળો દેખાવ
પર્સેન્ટાઇલ રેન્ક પ્રમાણે અ૧ ગ્રેડમાં વલસાડ જિલ્લામાં શેઠ આરજેજેના બે જ વિદ્યાર્થીઓ આવ્યા હતા. જ્યારે અ૨ ગ્રેડમાં જિલ્લાના ૫૧ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું. જેમાંથી શેઠ આરજેજે શાળાના ૮ વિદ્યાર્થીઓએ ૯૯.૧૩ થી ૯૭.૧૯ પર્સેન્ટાઇલ રેન્ક સાથે અ૨ ગ્રેડમાં રહ્યાં હતા. વલસાડ સેન્ટ જોસેફમાં ઇશા મુકેશ નાયકે શાળામાં પ્રથમક્રમ મેળવ્યો હતો. આવાંબાઇ હાઇસ્કૂલના વિદ્યાર્થી દિવ્યેશ ગજાનંદ પ્રજાપતિએ ૯૮.૪૬ ટકા સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
સંઘપ્રદેશનો દેખાવ બગડ્યો
સંઘપ્રદેશ દમણનું ૬૯ ટકા આવ્યું હતું. જેમાં ૨૮૧માંથી ૧૯૪ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા. પ્રથમ ક્રમે રવિ જેઠવા ૮૯.૭૧ ટકા મેળવ્યા હતા. જ્યારે દાદરા નગર હવેલીનું પરિણામ નિરાશાજનક ૪૭ ટકા રહ્યું હતું. સેલવાસના ૨૮૫માંથી ૧૫૬ વિદ્યાર્થી પાસ થયા હતા. જેમાં ફાધર એંગ્લો ઈન્ગિલીશ સ્કૂલનું ૯૪ ટકા અને પ્રભાત સ્કોલર્સ એકાડમીનું ૯૪.૪૪ ટકા પરિણામ આવ્યું હતું. શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
તબીબ પરિવારથી અલગ ચીલો ચાતરી એન્જિનિયરની તમન્ના ધરાવતી ઘ્વની
વલસાડ જિલ્લામાં ટોચના એ-૧ ગ્રેડમાં ૯૯.૯૧ પર્સેન્ટાઈલ રેન્ક સાથે પ્રથમ સ્થાન મેળવનાર વલસાડના તબીબ ડૉ.વિજય ખત્રી અને કસ્તુરબા હોસ્પિટલના તબીબ ડૉ.પરિતાની નાની દીકરી ધ્વનિએ એ-૧ ગ્રેડમાં સ્થાન મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. મોટી બેન વિદિતા હાલ તબીબી અભ્યાસ કરી માતા પિતાની જેમ તબીબી ક્ષેત્રે કારકીર્દી ઘડી રહી છે, પરંતુ આ પરિવારથી તદ્દન વપિરીત ધ્વનિને ડોક્ટર બનવા કરતા આઈસી, ઈટી અને આઈટી ફિલ્ડ પસંદ કરી એન્જિનિયર બનવાની મહત્વકાંક્ષા છે.