ખેડૂત વિભાગની આઠ બેઠક માટે ૨૨, વેપારી વિભાગમાં ૮ અને પ્રોસેસમાં ૩ જણાંએ ફોર્મ ભર્યાં
ચીખલી એપીએમસીમાં શનિવારે ઉમેદવારીપત્ર ભરવાના દિવસે ખેડૂત વિભાગની કુલ ૮ બેઠક માટે ૨૨, વેપારી વિભાગની ૪ બેઠક માટે ૮ અને પ્રોસેસ વિભાગની ૨ બેઠક માટે ૩ ઉમેદવારીપત્રક ભરાયા હતા. કુલ ૧૪ બેઠક માટે ૩૩ ઉમેદવારીપત્રકો ભરાતા ત્રણે વિભાગમાં ઉમેદવારોનો રાફડો ફાટતા ચીખલી તાલુકાનું સહકારીક્ષેત્રના રાજકારણમાં ગરમાટો આવ્યો છે.
ચીખલી તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ૧૪ બેઠક માટેનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સહકારી ક્ષેત્રનું વાતાવરણ ગરમાયું હતું. ઉમેદવારો પ્રત્યે કોણ કેવું વલણ અપનાવી ઉમેદવારી કરે કે કરાવે એના પર ચૂંટણી ખેલાવાના સંજોગ ઉભા થયા હતા. શનિવારે ઉમેદવારીપત્રક ભરવાના દિવસે ખેડૂત વિભાગની આઠ બેઠકો માટે ૨૨ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
વેપારી વિભાગની ચાર બેઠક પર આઠ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં ચાર વર્તમાન ડિરેક્ટરોનો સમાવેશ થાય છે. કુલ ૧૪ બેઠક માટે ૩૩ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે, જેના કારણે સહકારી, રાજકીય ક્ષેત્રે વાતાવરણ ગરમાવા સાથે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગમાં બે પેનલો સામસામે ચૂંટણી લડવાના સંજોગ ઉભા થયા છે. જ્યારે પ્રોસેસ વિભાગમાં ત્રિપાંખીયો જોગ ઉભો થયો છે. ઉમેદવારીપત્રક ખેંચવાની અંતિમ તારીખ ૩૦મીએ ચિત્ર સ્પષ્ટ થશે.આ સાથે તાલુકાના સહકારી ક્ષેત્રમાં ચહલપહલ વધી છે.