મંગળવારે અંતિમ દિવસે ૭ ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચ્યાં
ચીખલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિન ત્રણ વિભાગની ૧૪ બેઠક ખાલી પડતા ૩૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારીપત્રક ખેંચવાના અંતિમ દિવસે ૭ ઉમેદવારોએ ઉમેદવારીપત્રક ખેંચી લેતા ૧૪ બેઠક માટે ૨૬ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવતા ભારે ચૂંટણી જંગ જામવા પામ્યો છે. ચૂંટણીના પગલે ચીખલી તાલુકાના સહકારી ક્ષેત્ર સાથે રાજકીય ક્ષેત્ર ગરમાવા સાથે ઉમેદવારોએ ચૂંટણીનો તખ્તો ગોઠવવા મંડી પડ્યા છે, જેના કારણે ગરમાટો આવી ગયો છે.
ચીખલી તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીના ઉમેદવારીપત્રક ખેંચવાના અંતિમ દિવસે ખેડૂત વિભાગમાંથી ૬ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ખેંચી લેતા બે પેનલો સામસામે ચૂંટણીમાં ઝંપલાવતા જેમાં ભાજપ સમર્થિત પેનલમાં ગાંવિત નગીનભાઈ શાંતુભાઈ-રૂમલા, કિશોરભાઈ હરિભાઈ પટેલ-સાદકપોર, જીતેન્દ્રભાઈ ડાહ્યાભાઈ-ટાંકલ, જેસિંગભાઈ મગજીભાઈ પટેલ-પેલાડભૈરવી, બાબુભાઈ ઉક્કડભાઈ પટેલ-ઘેજ, રવજીભાઈ ભવાનભાઈ પટેલ-મલિયાધરા, હર્ષદસિંહ જયસિંહ પરમાર-કુકેરીનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ સમર્થિત પેનલમાં અમૃતલાલ ભીખાભાઈ પટેલ-ચાસા, ઈશ્વરભાઈ ડાહ્યાભાઈ પટેલ-આછવણી, ઈશ્વરભાઈ રણછોડભાઈ પટેલ-આછવણી, નરેશભાઈ નારણભાઈ પટેલ-દોણજા, નવીનચંદ્ર બાલુભાઈ પટેલ-ટાંકલ, ભીખુભાઈ દુર્લભભાઈ પટેલ-વાંઝણા, મગનભાઈ રણછોડભાઈ પટેલ-આમધરા, રમણભાઈ પાતળભાઈ પટેલ-ખેરગામનો સમાવેશ થતા ૮ બેઠક માટે કુલ ૧૬ ઉમેદવારોએ મેદાનમાં ઝુકાવ્યું છે.
પ્રોસેસ વિભાગની બે બેઠક માટે ત્રણ ઉમેદવારોએ મેદાનમાં ઝૂકાવતા જેમાં કુકેરીના પરમાર અમૃતસિંહ છીતુસિંહ, કલિયારીના અશોકભાઈ શાંતિલાલ પટેલ અને સાદકપોરના જયંતિલાલ કાળીદાસ પટેલનો સમાવેશ થાય છે.
વેપારી વિભાગની ચાર બેઠક માટે સાત ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવતા ચૌધરી હોતીરામ જોરાજી ચીખલી, અજયકુમાર રમણલાલ દેસાઈ-ચીખલી, પ્રદીપકુમાર બળવંતરાય દેસાઈ-ચીખલી, અરવિંદભાઈ બાબુભાઈપટેલ-નારણપોર, જીવણભાઈ નગીનભાઈ પટેલ-ખેરગામ, મજીદભાઈ હબીબભાઈ મેમણ-ચીખલી, પારસમલ હીરાલાલ શાહ-કુકેરીનો સમાવેશ થતા ત્રણ વિભાગની ૧૪ બેઠક માટે ૨૬ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવતા ચૂંટણી અધિકારી આર.જે. તડવી, મદદનીશ ચૂંટણી અધિકારી પંડ્યાએ ચૂંટણીની કામગીરી હાથ ધરી નિશાનની ફાળવણી કરતા ઉમેદવારોએ ચૂંટણી જંગ ખેલવાનો શરૂ કરી દઈ ચૂંટણી માટેનો તખ્તો તૈયાર કરતા ચીખલી તાલુકાના ખેડૂત સમાજ સહિત રાજકીય, સહકારી ક્ષેત્ર ગરમાયું છે.