નાંદોદ તાલુકાના કોઠી ગામે રહેતો ભીખાભાઇ જેસંગભાઇ તડવી ગામનો સારા તરવૈયાઓ પૈકીનો એક હતો. ભીખાભાઇ તેમના મિત્રો સાથે સાંજના સમયે તેમના ગામની બાજુમાં જ આવેલાં ધાવડી ગામની સુખી ખાડી પરના ચેકડેમ ઉપર ન્હાવા માટે ગયા હતાં. તેઓ અને તેમના મિત્રો ચેકડેમમાં ન્હાવા માટે પડ્યાં હતાં તે વેળાં ભીખાભાઇનો પગ લપસી જતાં તેઓ ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. તેમના મિત્રોએ સત્વરે તેમને શોધવા માટેના પ્રયાસો હાથ ધયૉ હતાં. મોડી રાત્રી સુધી શોધખોળ કરવા છતાં તેનો મૃતદેહ મળી આવ્યો ન હતો. દરમિયાન સવારે પુન: શોધખોળની કામગીરી હાથ ધરતાં ભીખભાઇની લાશ મળી આવી હતી. ભીખાભાઇ તડવી આસપાસના ગામોમાં સારા તરવૈયા તરીકે જાણીતા હતાં. કેવડિયા વિસ્તારમાં પાણીમાં ડુબી જનાર અમદાવાદ, સુરત સહિતના અન્ય પ્રવાસીઓના મૃતદેહ શોધવામાં તેમની ભુમિકા મહત્વની રહી હતી.