બાળપણમાં તમે વરુ અને બકરીની દુશ્મનીની વાર્તા સાંભળી હશે. હકીકતમાં પણ કંઈક આવું જ હોય છે. પરંતુ ચીનમાં એક બકરી અને વરુ વચ્ચે પાકી મિત્રતા થઈ ગઈ છે!
પીપલ્સ ડેઈલીના જણાવ્યા પ્રમાણે ત્રણ વર્ષ પહેલા ઝિનઝિયાંગ વિસ્તારના એક ગામના લોકોને જંગલમાંથી એક વરુનું બચ્ચું મળી આવ્યું હતું. વરુના આ બચ્ચાનું પાલન પોષણ કરનાર ચેન મિંગે જણાવ્યું હતું કે, મારા અમુક મિત્રો જંગલમાં શિકાર કરવા ગયા હતાં. જ્યાં તેમને વરુનું તાજુ જન્મેલું બચ્ચુ મળ્યું હતું. આ સમયે મારી પાસે એક બકરી હતી. જે દૂધ આપતી હતી. આથી તેમણે આ બચ્ચાને પાળવા માટે મને આપી દીધું હતું.
મિત્રોની વિનંતી બાદ ચેને બકરીના બચ્ચાને પાળ્યું હતું, તેમજ તેને બકરીનું દૂધ પીવડાવવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ વરુના બચ્ચા અને બકરી વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી. હવે હાલત કંઈક એવી છે કે બંને એક બીજા વગર રહી શકતા નથી.
ચેને જણાવ્યું હતું કે, બંને સાથે જ રહે છે, અને સાથે જ ખાય છે. મારા ઘરે જે પણ આવે છે તેમને બંનેની દોસ્તી જોઈને આશ્ચર્ય થાય છે. તેઓ વિચારે છે કે એક શિકારી પોતાના શિકારને આટલો પ્રેમ કેવી રીતે કરી શકે? ચેન હવે વરુને ફરી પાછું જંગલમાં છોડી દેવાનું વિચારી રહ્યો છે. જેથી તે પોતાનું પ્રાકૃતિક જીવન બહું સારી રીતે જીવી શકે.