કોલંબિયાના એડવર્ડ નિનોને આ સપ્તાહે ગિનેસ બુકે પૃથ્વી પરનો સૌથી ટૂંકો પુરુષ જાહેર કરતા તે ખુશખુશાલ થઇ ગયો હતો, પરંતુ તેની ખુશી લાંબી ટકવાની નથી, કારણકે નેપાળનો કિશોર ટૂંક સમયમાં વિશ્વના સૌથી ટૂંકા પુરુષનું ટાઇટલ મેળવવાનો છે.
૨૪ વર્ષના નિનોની ઊંચાઇ ૭૦.૨૧ સેમી (૨૭.૬૪ ઇંચ) છે અને તે બોગોટાના દક્ષિણ છેડે આવેલા સામાન્ય ઘરમાં તેની માતા સાથે રહે છે. પણ તેની મહત્વાકાંક્ષાઓ સામાન્ય નથી. નિનો ભારત, જાપાન, ચીન, અમેરિકા અને સ્પેનનો પ્રવાસ કરવા અને અભિનેતા બનવા માંગે છે. પ્રમુખ જુઆન મેન્યુઅલ સેન્ટોસે આવતીકાલે તેને પ્રમુખના મહેલમાં મળવા આવવાનું આમંત્રણ આપ્યું છે, તેની ક્ષણજીવી પ્રસિદ્ધિનો આ કદાચ સૌથી મોટો પ્રસંગ હશે.
નેપાળનો ખગેન્દ્ર થાપા મગાર નિનો કરતાં ૧૪ સેમી ટૂંકો છે અર્થાત્ તેની ઊંચાઇ ૫૬ સેમી (૨૨ ઇંચ) છે. આગામી મહિને ખગેન્દ્ર ૧૮ વર્ષનો થશે. આનો અર્થ એ કે તે વિશ્વના સૌથી ટૂંકા પુરુષ તરીકેનું નિનોનું સ્થાન મેળવશે.
નિનો ૯૦ સેમી લાંબા પલંગમાં સૂવે છે અને વિશેષપણે બનાવાયેલા ટચૂકડા શાવરમાં સ્નાન કરે છે. તે મૃદુભાષી છે પરંતુ તેને વિચિત્ર વસ્ત્રો પહેરવાનું ગમે છે. તેને સરેરાશ કદની સ્ત્રીઓ ગમે છે. તેની પ્રેમિકા ફેની ૫.૨૫ ફીટની ઊંચાઇ ધરાવે છે.