બ્રિટનમાં ચાર જોડિયા બહેનો તેના શિક્ષકો માટે માથાનો દુઃખાવો બની છે. બેડફોર્ડ શાયરના બિગલવેડમાં રહેતા જોસ અને જૂલી ચાર્લ્સ એક સાથે જન્મેલી આ ચારેય બહેનોના માતાપિતા છે. સપ્ટેમ્બર 2005માં જન્મેલી ચારેય બહેનોના ચહેરા એક જેવા છે. હવે ચારેય બહેનોએ સ્કૂલમાં જવાનું શરૂ કર્યું છે. પરંતુ તેમના શિક્ષકો માટે ચારેયને ઓળખવી માથાનો દુઃખાવો થઈ ગયો છે.
પાંચ વર્ષની એલી, જિઓર્ઝિના, જેસિકા અને હોલી બ્રિટનની એક માત્ર આવી જીવતી મિસાલ છે. દુનિયામાં ચાર બાળકો પેદા થયા હોય તેવો આ 27મો બનાવ છે. ચારેય બાળકોની 42 વર્ષીય માતા જૂલી કહે છે કે ચારેયની જીવવાની આશા નહીવત હતી. ડોક્ટરોએ બાકીના બાળકોને બચાવવા માટે એક બાળકનો ગર્ભપાત કરાવવાની સલાહ આપી હતી.
આમ છતાં પતિ-પત્નીએ હિંમત હારી ન હતી, અને તેનું પરિણામ તેને ચારે પુત્રી રૂપે મળ્યું હતું. આ જ અઠવાડિયે ચારેય બાળકીઓએ સ્કૂલમાં જવાનું શરૂ કરી દીધું છે. ચારેયને ઓળખવા માટે શિક્ષકોએ તેમના નામનો પ્રથમ અક્ષર તેના કોલર પર લખી નાખ્યો છે. ચારેય જ્યારે યુનિફોર્મ પહેરીને સ્કૂલે જાય છે ત્યારે તેમને ઓળખવી મુશ્કેલ બની જાય છે. એટલું જ નહીં ચારેય બાળકીઓને જોવા માટે લોકો ખાસ તેની સ્કૂલે આવે છે. જૂલીએ જણાવ્યું હતું કે ચારેયના જન્મ બાદ અમારું જીવન બદલાઈ ગયું હતું.
*