બેલ્જિયમમાં જ્યારે એક મહિલા વકીલ તેના અસીલની મુલાકાત લેવા માટે એક જેલમાં આવી પહોંચી હતી ત્યારે જેલના અધિકારીઓએ તેને કંઈ વિચિત્ર આદેશ આપ્યો હતો. જેલના અધિકારીઓએ મહિલા વકીલને પોતાની બ્રા ઉતાર્યા બાદ અંદર જવાનો આદેશ આપ્યો હતો. જો કે ફક્ત એક જ મહિલા વકીલને આવો અનુભવ થયો છે તેવું નથી અનેક મહિલા વકીલોએ આ અંગે ફરિયાદ દાખલ કરી છે.
હકીકતમાં થયું એમ હતું કે મહિલા વકીલ જ્યારે સુરક્ષા ચેકઅપમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક સુરક્ષા એલાર્મ વાગ્યું હતું. આથી જેલના અધિકારીઓને મહિલાએ પોતાની બ્રામાં કંઈક છૂપાવ્યાની શંકા પડી હતી. જો કે મહિલા પાસે એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, પરંતુ જેલમાં લગાવવામાં આવલા સુરક્ષા સ્કેનરને કારણે મહિલાની બ્રામાં રહેલી ક્લિપને કારણે એલાર્મ વાગ્યું હતું.
ઘટના અંગે બેરીસ્ટર જોસેફ રેવીસે જણાવ્યું હતું કે જેલની મુલાકાતે આવતા લોકોએ અહીંના નિયમોનું પાલન કરવું પડે છે. આથી મહિલાએ જેલનો આદેશ માનવો પડ્યો હતો. ડિરેક્ટરેટ જનરલ ઓફ કરેક્શને જણાવ્યું હતું કે તેમણે આ પહેલા સુરક્ષા સ્કેનરનું પરિક્ષણ કર્યું હતું, તેમજ તેમને કોઈ ખામી હોવાનું માલુમ પડ્યું ન હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ સુરક્ષા સ્કેનરમાંથી પસાર ન થઈ શકે તે જેલની અંદર જઈ શકે નહીં તેવો નિયમ છે. જો કે અનેક મહિલા વકીલોની ફરિયાદ બાદ હવે જેલના અધિકારીઓ આ મુદ્દે ચર્ચા કરીને કોઈ નિરાકરણ લાવવાનું નક્કી કર્યું છે.