ઓસ્ટ્રેલિયનો આ વર્ષના સૌથી શુભ દિવસ ગણાતા ૧૦-૧૦-૧૦ એ લગ્ન કરવા માટે ચર્ચો અને અન્ય લગ્ન સ્થળોએ દોટ મૂકી રહ્યા છે.
ઘણા લોકો ૧૦ ઓક્ટોબરના દિવસને ભાગ્યશાળી માને છે અને ઓસ્ટ્રેલિયન મેરેજ સેલીબ્રન્ટસમાં આ વિશિષ્ઠ તારીખે લગ્ન નોંધાવવા માટે યુગલોમાં છેલ્લી ઘડીનો મોટો ધસારો જોવા મળ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં મેરેજ સેલીબ્રન્ટ્સના સૌથી મોટા એસોસિએશન ઓસ્ટ્રેલિયન મેરેજ સેલીબ્રન્ટસના પ્રવકતા માર્ટિન મરોનીએ કહ્યું હતું, ‘યુગલે તેઓ જે દિવસે લગ્ન કરવા માગતા હોય તેના એક મહિના અને એક દિવસ પહેલાં તેમની અરજી નોંધાવવી પડે છે. ૧૦-૧૦-૧૦ એ લગ્નો માટેની અભૂતપૂર્વ ઇચ્છા જોવા મળે છે.’
ઓસ્ટ્રેલિયન મેરેજ સેલીબ્રન્ટ્સના સભ્ય ઇલેન સીયર્લીએ ઉમેર્યું હતું, ‘૧૦ ઓક્ટોબર, ૨૦૧૦ના સવારના ૧૦.૧૦ના લગ્ન માટે મારે ત્યાં ઘણા મહિના પહેલાં બુકિંગ થયું હતું. એ દિવસે બીજી બે વિધિઓ માટે મેં બુકિંગ સ્વીકાર્યું છે. અમે બીજા છ લગ્ન માટે બુકિંગ કરી શક્યા હોત, પરંતુ ત્રણ લગ્નો મારી મર્યાદા છે.’