એક સિનિયર ડોક્ટર ઝડપથી હોસ્પિટલમાં પ્રવેશ્યા, જેમને ત્યાં એક ઇમર્જન્સી સર્જરી માટે બોલાવાયા હતા. થોડા સમય પહેલાં સુધી ડોક્ટર એવી જગ્યાએ હતા જ્યાં મોટા ભાગે બહુ ઓછા લોકો જાય છે. તેમની સાથે તે જગ્યા પર થોડો સ્ટાફ પણ હાજર હતો. જ્યારે હોસ્પિટલમાંથી તેમના પર ફોન આવ્યો તો તે તરત સ્ટાફ સાથે નીકળી પડ્યા.
હોસ્પિટલમાં પહોંચતાં જ તેમણે કપડાં બદલ્યાં અને સીધા જ સર્જરી બ્લોકમાં પહોંચી ગયા. ત્યાં તેમણે જોયું કે, એક છોકરાના પિતા ડોક્ટરની રાહ જોઈ રહ્યા હતા. તેમને જોતાં જ છોકરાના પિતા મોટા અવાજે બોલ્યા કે, ‘તમને આવતાં આટલો સમય કેમ લાગી ગયો ? તમે નથી જાણતા કે મારા દીકરાનું જીવન જોખમમાં છે? તમને તમારી જવાબદારીનો અહેસાસ નથી ?’ ડોક્ટરે હાસ્ય સાથે કહ્યું કે, ‘આઈ એમ સા‹રી, પરંતુ હું હોસ્પિટલમાં નહોતો અને મને જ્યારે ખબર પડી કે તરત હું આવી ગયો. મહેરબાની કરીને શાંત થાવ અને મને મારું કામ કરવા દો.’
જોકે પછી નર્સે પણ સમજાવા છતાં પિતાનો ગુસ્સો શાંત ન થયો. પણ ડોક્ટર અત્યંત શાંતિપૂર્વક ઓપરેશન રૂમમાં ચાલ્યા ગયા. કલાકો સુધી સર્જરી ચાલ્યા બાદ ડોક્ટરે ઓપરેશન થિયેટરની બહાર આવીને કહ્યું કે, ‘ભગવાનનો આભાર કે તમારો દીકરો બચી ગયો. તમારે કંઈ પૂછવું હોય તો નર્સને પૂછજો.’ આટલું કહી ડોક્ટર જતા રહ્યા. એટલામાં ઓપરેશન થિયેટરમાંથી બહાર આવેલી નર્સને પિતાએ પૂછ્યું કે, ‘ડોક્ટરનો સ્વભાવ આવો કેમ છે?’ આ સાંભળીને ગળગળી થઈ ગયેલી નર્સે કહ્યું કે, ‘ગઈ કાલે માર્ગ અકસ્માતમાં તેમના દીકરાનું નિધન થઈ ગયું. જ્યારે હોસ્પિટલમાંથી ફોન આવ્યો ત્યારે અમે બધા સ્મશાનમાં હતા. તમારા દીકરાનું જીવન બચાવી હવે તે અંતિમ સંસ્કારની બાકીની વિધિ પતાવવા ગયા છે.
ફંડા એ છે કે, તમારી મુશ્કેલ સ્થિતિના આધારે બીજા કોઈનું આકલન કરવું બરાબર નથી, કારણ તે સમયે તમારી મનોદશા ઠીક નથી હોતી. આથી જ સમજદાર લોકો કહે છે કે, પહેલાં એક લાંબો શ્વાસ લો અને પછી કોઈ પ્રતિક્રિયા આપો. આપણે નથી જાણતા કે સામેવાળાના જીવનમાં શું ચાલી રહ્યું છે કે તે કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે