જસ્ટિસ એ.કે. ગાંગુલી માટે ગુરુવારનો દિવસ ભલે કોર્ટમાં છેલ્લો દિવસ હોય, પરંતુ તેનો આ ચુકાદો ઐતિહાસિક બની ગયો છે. તેનાથી કોર્પોરેટ કાયદો તો અમલમાં આવશે જ, ઉપરાંત લાંબા સમય સુધી તેની અસર સરકારની નીતિ અને કોર્પોરેટ કામકાજ પર પણ જોવા મળશે. સરકારી કોન્ટ્રાકટ અને લાઈસન્સ લેવામાં ભ્રષ્ટ માર્ગો અપનાવાય છે, કાયદાથી બચાવ અનેક જોડતોડ કરાય છે, પક્ષપાત કરાય છે અને સામાન્યપણે જે કંપની વધારે ‘આપે’ છે તેમને વધારે ફાયદો ‘મળે’ છે એ વાતથી કોઈ અજાણ નથી.
ગુરુવારે સુપ્રીમ કોર્ટે ૧૨૨ ટેલિકોમ લાઈસન્સ રદ કરી દીધા કારણ કે તે આપતી વખતે નીતિઓનું યોગ્ય પાલન નહોતું કરાયું અને ભ્રષ્ટ મંત્રીએ લાંચ લઈને લાઈસન્સ આપ્યાં હતાં. પહેલી વખત સુપ્રીમ કોર્ટે કોઈ નીતિ અને તેની ખામીઓ અંગે સીધી ટિપ્પણી કરી છે. કોર્ટે ‘વહેલા તે પહેલા’ની નીતિને ખોટી અને ઘાતક ગણાવી છે.
રદ થનારા લાઈસન્સ અંગે અનેક લોકોને ચિંતા છે, અને તેની દૂરોગામી અસર પણ પડશે. જો લાઈસન્સ ફાળવણીમાં નીતિનું યોગ્ય રીતે પાલન નહીં થાય તો ભવિષ્યમાં આ ચુકાદો લાઈસન્સ રદ કરવાનો આધાર બની શકે છે. આગામી વર્ષોમાં અનેક મામલે આ ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવશે. કાયદાની થોડી જાણકારી રાખનારા પણ એ સમજી શકે છે કે ભવિષ્યમાં મોટા કોન્ટ્રાકટ પણ રદ થઈ શકે છે.
ખાસ કરીને જો નીતિનું યોગ્ય પાલન નહીં થયું હોય તો આ શક્યતા વધી જાય છે. ફ્રોડના આધારે લાઈસન્સ રદ કરવાના અનેક ચુકાદા આવ્યા છે. એક બહુચર્ચિત ચુકાદો ઈસ્ટ ઈન્ડિયા કોટન એસોસિએશન વિરુદ્ધ સીસીઈ કેસમાં ૫ નવેમ્બર, ૧૯૯૭ના રોજ આવ્યો હતો. પરંતુ નીતિનું અનુપાલન ન થવાથી લાઈસન્સ રદ થયું હોય તેવા ચુકાદા તો નહીંવત છે.
આનાથી કોર્પોરેટ જગત પર નીતિના પાલનમાં વધુ સતર્કતા દાખવવાનું દબાણ વધશે. ઘરેલુ અને મલ્ટિનેશનલ કંપનીઓ સરકાર પાસેથી કોન્ટ્રાકટ હાંસલ કરવામાં વધુ સાવધાની રાખશે કારણ કે હવે તેમને કાયદાનો ડર લાગશે. કાયદાનો ડર હોય તે સારી વાત છે. આ ઉદ્યોગપતિઓને શોર્ટકટ અપનાવવાથી રોકે છે. આ સ્વાન ટેલિકોમ જેવી કંપનીઓને માત્ર લાઈસન્સ ખરીદીને વેચી તગડો નફો રળવા સામે પણ અટકાવશે. આ કંપનીએ ૧૫૩૭ કરોડ રૂપિયામાં લાઈસન્સ ખરીધ્યાં અને એતિસાલાતને ૪૫૦૦ કરોડ રૂપિયામાં હિસ્સો વેચી દીધો.
આ ચુકાદો રાજનીતિજ્ઞોને પણ નીતિઓના ખોટા ઉપયોગ તેમજ તેની ખોટી વ્યાખ્યા કરવાથી રોકશે. નીતિઓના અમલ અંગે હવે નેતાઓથી વધારે કોર્પોરેટ્સને ચિંતા રહેશે. એ. રાજાએ ટેલિકોમમંત્રી તરીકે હોદ્દાનો લાભ લઈને કંપનીઓને આશય પત્ર જમા કરાવવા માટે માત્ર ૪૫ મિનિટનો સમય આપ્યો. આટલું જ નહીં, ૧૬૦૦ કરોડ રૂપિયાની બેંક ગેરંટી માટે પણ કંપનીઓને ગણતરીના કલાકોનો જ સમય અપાયો હતો.
કેટલાક વિશ્લેષકોની એવી ફરિયાદ છે કે આ ચુકાદો વિદેશી રોકાણકારોના સેિન્ટમેન્ટ પર નકારાત્મક છાપ ઊભી કરશે, પરંતુ આવું કહેનારા લોકો વિદેશી રોકાણકારોને નથી સમજતા. આ ચુકાદો આવ્યો ત્યારે વિદેશી રોકાણકારો શેરબજારમાં ખરીદી કરી રહ્યા હતા. વિદેશી કંપનીઓ હવે ભારતમાં ખાસ કરીને પાછલા બારણેથી લાઈસન્સ ‘ખરીદીમાં’ વધુ સાવધાનીભર્યું વલણ અપનાવશે. તેમજ પોતાના ભારતીય ભાગીદાર અંગે પણ વધુ તપાસ કરશે.
આ ચુકાદો સાબિત કરે છે કે ભારતમાં કાયદાનું શાસન ચાલે છે. એતિસાલાત જેવી સરકારી નિયંત્રણવાળી કંપનીઓને પણ ભારતમાં રોકાણ કરતી વખતે સાવધાન રહેવું પડશે. તેનાથી પોલિસી બનાવવામાં પારદર્શકતા લાવવામાં પણ મદદ મળશે કારણ કે ઉચ્ચ અધિકારીઓ નેતાઓને નીતિનું ઉલ્લંઘન કરવાની મંજુરી નહીં આપે.
તેનાથી ટેલિકોમ સેક્ટરને પણ લાભ થશે. કેટલાક નબળા ઓપરેટર બહાર નીકળી જશે અને બજારમાં માત્ર ગંભીર તેમજ આર્થિક રીતે સદ્ધર ઓપરેટર જ ટકી રહેશે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો સાબિત કરે છે કે માત્ર સરકારને જ નહીં, પરંતુ કોર્પોરેટ જગતને પણ સરકારી નીતિનું ચોક્કસપણે પાલન કરવાનું રહેશે કારણ કે જો તેનું પાલન નહીં થાય તો તેની અસર હવે કંપનીઓ પર પડી શકે છે.