તમારો પોતાનો અંગત ઈતિહાસ, ભૂગોળ અને સમાજશાસ્ત્ર તેમાં સમાયેલા છે
તમે ડાયરી લખવાનું આજથી જ શરૂ કરો તો તમે તમારા કુટુંબ ઉપર જ નહીં પણ માનવજાત ઉપર મોટો ઉપકાર કર્યો ગણાશે. માએ વેસ્ટ નામની લેખિકા અને અભિનેત્રીએ લખેલું ‘આઈ ઓલવેઝ સે ટુ ગર્લ્સ ધેટ કીપ એ ડાયરી એન્ડ ડાયરી વીલ કીપ યુ.’ હે દીકરીઓ! રોજ ડાયરી રાખો અને એક દિવસ તમારાં દુ:ખી-સુખી વખતમાં તમારી ડાયરી તમને સાંત્વના આપશે. તમને આનંદિત રાખશે. રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, મહાદેવ દેસાઈ, ચ.ડી.એફ.સી.ના સ્થાપક હસમુખ પારેખ અને દાદા ધર્માધિકારી ડાયરી રાખતા. એ ડાયરીનો એક પેરેગ્રાફ આજની સ્ત્રીઓને પ્રેરણાદાયી થશે. દાદા ધર્માધિકારી મૂળ પૈઠણના મહારાષ્ટ્રીયન બ્રાહ્નણ હતા. પછી તાપીના નદી કાંઠાના ગામે હિજરત કરી આવેલા.
તેમની ડાયરી વાંચો, ‘મારી માતા સરસ્વતીબાઈ વાંચતાં-લખતાં જાણતી નહોતી, પણ અમારા કુટુંબમાં આવ્યા પછી ધાર્મિક ગ્રંથો વાંચવાની પ્રબળ ઇચ્છા થકી તેણે અક્ષરજ્ઞાન મેળવ્યું. સવારના પહોરે ગીતાપાઠ, અભંગ સ્તક્ષેત્ર રટતી. પૂરું વાંચતાં શીખી ત્યારે જ્ઞાનેશ્વરી, ભક્તિમાર્ગ, પ્રદીપ શિવલીલામૃત વગેરે ગ્રંથોમાંથી નિત્ય પાઠ સ્પષ્ટ ઉચ્ચારો સાથે કરવા લાગી!..’
ઉપરની વાતમાં સવારના પહોરમાં અને સ્પષ્ટ ઉચ્ચાર જેવા શબ્દો આજની યુવતીઓ માટે આંખ ખોલનારા છે. તમે સવારના પહોરમાં ઊઠીને તુરંત નહાઈને ગીતાપાઠ કે કોઈ ધાર્મિક ગ્રંથ કે નમાજ કે ખાસ કરીને સ્પષ્ટ ઉચ્ચારો રિપીટ સ્પષ્ટ ઉચ્ચારો કરતાં શીખો છે? આજથી ડાયરી લખતાં શીખો. તમને ઘણું તમારી પાસેથી જ શીખવા મળશે.
વળી, ડાયરી લખવા માટે કોઈ ઉંમરની મર્યાદા નથી. જર્મનીના ફ્રેન્કફર્ટ શહેરમાં ૧૨ જુન, ૧૯૨૯માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે હિટલરના યહૂદીઓ પ્રત્યેની ક્રૂરતાના વાતાવરણમાં જન્મેલી મેરી એન ફ્રેન્ક માત્ર ૧૩ વર્ષની ઉંમરે ડાયરી લખવા માંડી હતી. તેણે એમસ્ટરડમ (હોલેન્ડ) હિજરત કરવી પડી હતી. નાઝીઓ યહૂદીઓને વીણી વીણીને મારતા હતા. મેરી ફ્રેન્કના કુટુંબે સંતાઈને રહેવું પડતું. તેનાં માતા-પિતા જેલમાં જ મરી ગયાં. ૧૯૪૨માં જ્યારે મેરી એન ફ્રેન્કને સૂઝ્યું કે ડાયરી લખવી જોઈએ ત્યારે ૧૩ની ઉંમરે ડાયરી લખવાનું શરૂ કર્યું. તેની આ ડાયરી હિટલરના જુલમોનો ઈતિહાસ લખે છે. તેણે લખેલી ડાયરી જગતની ૧૮થી વધુ ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે.મેરી એન ફ્રેન્ક લખે છે કે અમને યહૂદીને નાઝીઓ બસ કે ટ્રેન કે કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા દેતા નહીં.
હાથમાં સામાન લઈ જઈ શકાતો નહીં. એક ગામથી બીજે ગામ જવું હોય તો ચાર-પાંચ જોડી કપડાં-તમામ પહેરીને નીકળવું પડતું. પુસ્તકો ઘરમાં સંતાડીને રાખવાં પડતાં. એન ફ્રેન્કની ડાયરી ઉપરથી તમને પ્રતીતિ થશે કે મુશ્કેલીમાં જ બધા સાથે સહકાર કરીને અને એકબીજાનો સ્વભાવ સહન કરીને રહેવાની અને રોજ ઈશ્વરની પ્રાર્થના કરવાની ટેવ પડે છે. ઈશ્વર બચપણમાં સગવડો કરતાં તકલીફો આપે તે સારા માટે છે. ૧૯૪૫માં હિટલરની જેલમાં જ સોળની ઉંમરે એન મરી ગઈ, પણ તેની ડાયરી ઉપરથી ફિલ્મ અને નાટક ઊતર્યાં છે.ડાયરી એ તમારો પોતાનો અંગત ઈતિહાસ, ભૂગોળ અને સમાજશાસ્ત્ર છે. એમ્બ્રોઝ બીયર્સ નામના વિદ્વાને ડેવિલ્સ ડિક્શનરી ૧૮૪૦માં લખવાનું શરૂ કર્યું.
તેમણે ડાયરીની વ્યાખ્યા આપી છે ‘ડાયરી એ તમારો પોતાનો તમારે હાથે લખેલો રોજિંદો રેકોર્ડ છે જે તમે કોઈ પણ શરમ કે સંકોચ વગર તમારી-નબળાઈ-સબળાઈ સાથે લખો છો અને પ્રેરણા લઈ પ્રેરણા આપો છો.’ એન ફ્રેન્કની ડાયરી વાંચો તો ખબર પડે કે તેની હિટલરની જેલમાં જિંદગી કેટલી કપરી હતી. છ ફૂટ બાય છ ફૂટની સાંકડી રૂમમાં ૮ જણ રહેતા. ચારે બાજુ તેના કેદી કુટુંબીઓ રોકકળ કરે, માથાં કૂટે પણ એન ફ્રેન્કને સદબુદ્ધિ સૂઝેલી. તેણે સ્કૂલની એક્સરસાઈઝ બુક તેનાં કપડાં વચ્ચે ઘાલીને લઈ લીધેલી. બીજા રડે ત્યારે તે ડાયરી લખતી.ડાયરીને આપણે રોજનીશી કહીએ છીએ. આપણા ઋષિમુનિઓ તો શિષ્યો પાસે લખાવતા.
ડાયરીયમ શબ્દ ઉપરથી ડાયરી શબ્દ આવ્યો છે. આપણા મગજને કસવા રોજ તેને ડેઈલી એલાવન્સ આપવું જોઈએ. તે એલાવન્સ ડાયરી લખવાથી મગજને મળે છે. પશ્ચિમના દેશો કરતાં પૂર્વના દેશોમાં ડાયરીનું મહત્વ વધુ હતું. રોમન શહેનશાહ માર્કસ ઓરેલિયસે ૧૮૧૦ વર્ષ પહેલાં ડાયરી લખવાનું શરૂ કરેલું. જાપાની સુંદરીઓ તે સમયના રાજાઓ-ધનિકોની દેહતૃષ્ણા વિશે રોજ લખતી તેને પીલોબકસ કહેવાતી. આજે જો તમે જુનું સાહિત્ય વાંચતા હો તો સેમ્યુઅલ પેપીસ નામના વિદ્વાનની ડાયરીનું નામ સાંભળ્યું હશે. ૩૭૮ વર્ષ પહેલાં એક અંગ્રેજ દરજીને ઘરે જન્મેલા સેમ્યુઅલ પેપીસની માતા ખાટકીની પુત્રી હતી. પેપીસે ભણીને કારકૂન તરીકે તદ્દન સુક્કું જીવન શરૂ કર્યું ત્યારે જિંદગીને લીલી બનાવવા ૧-૧-૧૬૬૦થી ડાયરી લખવાનું શરૂ કર્યું.
તેને આંખે દેખાતું નહીં તે પછી જ ૧૬૬૯માં ડાયરી બંધ કરી. ત્યાં સુધી ચૌદ લાખ શબ્દો લખ્યા, જેમાં લંડનની ઐતિહાસિક કરુણ ઘટનાઓ, લંડનનો પ્લેગ, ભયંકર આગ ઉપરાંત તેની પત્નીનાં લફરાં- આડા વ્યવહાર વિશે લખ્યું. એટલું જ નહીં તેણે કબૂલ કર્યું કે પોતે જ્યારે બીજાની પત્ની સાથે વ્યવહાર શરૂ કર્યો ત્યારે જ તેની પત્નીને તેનો ચેપ લાગ્યો. જોકે, પોતે જ ઉકેલી શકે તેવી ગુપ્ત ભાષામાં તે પોતાનાં સેક્સનાં સાહસો લખતો. દા.ત. ‘આ રાત્રે અમે નાટક જોયા પછી એક સાથે ૮ જણ ઘોડાગાડીમાં ચઢી ગયા. એક સુંદરી મારા ખોળામાં બેસી ગઈ. અમે બંનેએ બધી જ જાતનો રોમાન્સ કર્યો. ૨૦૦૨માં તે ડાયરી પ્રગટ થઈ તેમાંથી જાણવા મળ્યું કે વિજ્ઞાની આઈઝેક ન્યુટન અને વિખ્યાત આકિeટેકટ ક્રિસ્ટોફર રેન તેના મિત્રો હતા.
ડાયરી ઉપરથી માલૂમ પડે છે કે અંગ્રેજો કેવા ક્રૂર અને સ્વાર્થી હતા. લંડનમાં અમુક કુટુંબને પ્લેગ થયો છે એટલે તેની સારવાર કરવાને બદલે તેના ઘરને તાળું મારી દેવાતું જેથી બહાર આવી ન શકે. એના કરતાં ભારતના સુરતી લોકો વધુ સહકારી હતા. સુરતમાં પ્લેગવાળાની સારવાર બેધડક થતી. ‘મારા મિત્રો ટપાર્યા કરે છે કે ભવિષ્ય માટે બચાવતો કેમ નથી? શું કામ સંયમ રાખીને એક પત્નીવ્રત પાળતો નથી? હું તે લોકોને કહું છું કે હું ૨૫ વર્ષનો હતો ત્યારે મરણમાંથી માંડ માંડ બચ્યો, પછી મેં મારી ફિલસૂફી ઘડી. આ શરીર હવે ભગવાન તરફથી ભેટમાં મળ્યું છે તો તેને તેની મોજ કરવા દેવી. હું મારા મિત્રોને જોતો હતો. તે પૈસા માટે ઢસરડા કરતા હતા, મોડી રાત્રે ઘરે આવતા, પૈસા કમાઈને ઢગલા કરતા. ભોગવે નહીં ભોગવવા દે નહીં. મેં નક્કી કર્યું કે કોઈ પણ મોજશોખને મુલતવી ન રાખવા. મુલતવી રાખેલી મોજ માત્ર પસ્તાવો બની જાય છે એટલે આજને બરાબર ભોગવી લેવી કાલ કોણે દીઠી રે!!!’’